નવી દિલ્હી ૧૩ઃ મોદી સરકારે મધ્યમવર્ગને પોસાય તેવાં મકાનોને વેગ આપવા માટે બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં મિડલ ઇન્કમ ગ્રૂપ (એમઆઈજી) માટે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (સીએલએસએસ) અંતર્ગત હાઉસિંગ લોનમાં અપાતી વ્યાજની સબસિડી માટે માન્ય મકાનોના કાર્પેટ એરિયાને ૩૩ ટકા સુધી વધારવાને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અપાતી વ્યાજની સબસિડી માટે માન્ય કાર્પેટ એરિયામાં વધારો કરાતાં મિડલ ઇન્કમ ગ્રૂપના વધુ ગ્રાહકોને લાભ મળી શકશે.
રહેણાક અને શહેરી બાબતોનાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મિડલ ઇન્કમ ગ્રૂપ વન માટે કાર્પેટ એરિયા ૧૨૦ ચો.મી.થી વધારીને ૧૬૦ ચો.મી. કરાયો છે. એમઆઈજી વન ગ્રૂપમાં રૂપિયા ૬ લાખથી ૧૨ લાખ વચ્ચે વાર્ષિક આવક ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે. મિડલ ઇન્કમ ગ્રૂપ ટુ માટે કાર્પેટ એરિયા વધારીને ૧૫૦ ચો.મી.થી ૨૦૦ ચો.મી. કરવામાં આવ્યો છે. આ ગ્રૂપમાં રૂપિયા ૧૨ લાખથી ૧૮ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે.