નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળના સભ્યોને અધિકારીઓ સમક્ષ ઉદાહરણ સ્થાપિત કરવા સવારે સમયસર કચેરીમાં પહોંચવા અને ઘેરથી કામ નહીં કરવાની સૂચના આપી છે. કેન્દ્રીય કેબિનેટની પહેલીથી બેઠકમાં વડા પ્રધાન મોદીએ તેમના પ્રધાનોને સવારે ૯.૩૦ કલાકે કચેરીમાં પહોંચી જવા અને ઘરેથી કામ કરવાનું ટાળવાની સૂચના આપી હતી.
શિસ્તબદ્ધ રહેવા ભાર મૂકતા મોદીએ જણાવ્યું હતું કે, તમામ પ્રધાનોએ સમયસર કચેરીમાં પહોંચી જવું જોઈએ અને અધિકારીઓ સાથે મંત્રાલયમાં ચાલી રહેલા નવા ઘટનાક્રમ અંગે ચર્ચા કરવી જોઈએ. પ્રધાનોએ નિયમિત રીતે કચેરીમાં હાજરી આપવી જોઈએ અને ઘરેથી કામ કરવાનું ટાળવું જોઈએ. વડા પ્રધાન મોદીએ પ્રધાનોને જણાવ્યું હતું કે તેમણે પાર્ટીના સાંસદો અને જનતાને નિયમિત રીતે મળતા રહેવું જોઈએ. પ્રધાનો તેમના વતનના રાજ્યોના સાંસદો સાથેની મુલાકાતોથી તેનો પ્રારંભ કરી શકે છે.