મુંબઈઃ દાઉદ ઇબ્રાહિમના ખાસ સાથી ઇકબાલ મિર્ચી સાથે સંકળાયેલા જમીન સોદાના મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ એનસીપી નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફૂલ્લ પટેલની ૧૯મી ઓક્ટોબરે ૧૨ કલાક સુધી પૂછપરછ કરી હતી. ઈડીએ પ્રફુલ્લ પટેલની કંપની મિલેનિયમ ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ અને ઇકબાલ મિર્ચીના પુત્ર આસિફ મેમણ વચ્ચે થયેલા કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારના પુરાવા શોધી કાઢયા છે. ઉલ્લેખનીય છે કે રૂ. ૨,૧૮૬ કરોડના હવાલા કેસમાં ડીએચએફએલ પર ઇડીના દરોડા પડ્યા હતા. ૧૯મીએ ઈડીએ રિઅલ એસ્ટેટ કંપની ડીએચએફએલ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓના મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં ૧૪ ઠેકાણા પર દરોડા પાડયા હતા. ઇકબાલ મિર્ચી માટે આર્થિક લેવડદેવડ કરતી કંપની સાથેના કથિત સંબંધોના કારણે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ સામે તપાસ હાથ ધરાઈ છે. અહેવાલો પ્રમાણે ઈડીએ ડીએચએફએલ દ્વારા રૂ. ૨,૧૮૬ કરોડની લોનને સંબંધિત દસ્તાવેજો જપ્ત કરી લીધાં છે. ડિએચએફએલએ કોઈપણ પ્રકારના હવાલા વ્યવહારોમાં સંડોવાયેલા હોવાનો ઇનકાર કરી દીધો છે. ઈડીએ મિર્ચીના બે સહયોગીઓ બ્રિટિશ નાગરિક હારુન યુસુફ અને મુંબઇના બિઝનેસમેન રણજિત બિન્દ્રાની ધરપકડ બાદ મિર્ચી અને તેના સહયોગીઓ દ્વારા કરાયેલા કરોડોના રીઅલ એસ્ટેટ સોદાઓમાં તપાસ શરૂ કરી છે.

