ઉષ્માસભર ભારતીય આતિથ્ય માણ્યા બાદ પ્રમુખ પુતિને શનિવારે વિદાય લીધી તે વેળા વડાપ્રધાન મોદીએ તેમને દેશની માટી - કળા - પરંપરા સાથે જોડાયેલી અનોખી ભેટ આપી હતી. પુતિનને આગમન વેળા જ રશિયન ભાષામાં અનુવાદિત ભગવદ ગીતા ભેટ અપાયું હતું (જૂઓ તસવીર). આ ઉપરાંત પાંચ યાદગાર ભેટ અપાઇ છે.
• બ્લેક ટી (આસામ): પરંપરાગત આસામિકા પાનથી બનેલી આ ચા તેની સુગંધ, તેજસ્વી રંગ અને આરોગ્યના ફાયદા માટે જાણીતી છે. આ ચા આસામની સંસ્કૃતિ અને આરોગ્યનું પ્રતીક છે.
• સિલ્વર ટી સેટ (મુર્શિદાબાદ): પશ્ચિમ બંગાળની કળા વડે તૈયાર થયેલો આ સુંદર સિલ્વર ટી-સેટ ભારતીય હસ્તકલા અને ચા સંસ્કૃતિની ઝલક દર્શાવે છે. બન્ને દેશમાં ચા આત્મીયતા, મિત્રતા અને સંબંધોમાં ઉષ્માનું પ્રતીક છે. આ ભેટ બંને દેશોની મજબૂત મિત્રતાનો ભાવપૂર્ણ સંકેત છે.
• સિલ્વર હોર્સ (મહારાષ્ટ્ર): બારીક નકશીકામ સાથે તૈયાર થયેલો ચાંદીનો ઘોડો મહારાષ્ટ્રની ધાતુ કળાની ઉત્તમતા દર્શાવે છે. શૌર્ય અને ગૌરવનું પ્રતીક ગણાતો આગેકૂચ કરતો ઘોડો બે દેશો વચ્ચે વધતી ભાગીદારીનું પ્રતીક છે.
• માર્બલ ચેસ સેટ (આગ્રા): આગ્રાની હસ્તકલાનું પ્રતીક એવો માર્બલ ચેસ સેટ, બારીક પથ્થર, ફૂલદાર બોર્ડર અને રંગથી સજાવાયો છે.
• ઝાફરાન કેસર (કાશ્મીર): કાશ્મીરના ઊંચા પહાડ પર ઊગતું ઝાફરાન કેસર તેની રંગત, સુગંધ અને સ્વાદ માટે વિશ્વપ્રસિદ્ધ છે. ‘રેડ ગોલ્ડ’ તરીકે ઓળખાતું કેસર પરંપરા, હાથે વિણાયેલું અને ખેડૂતની મહેનતનું અમૂલ્ય પ્રતીક છે, જે આરોગ્ય-વારસાનું સંયોજન દર્શાવે છે.


