પ્રયાગરાજઃ અયોધ્યામાં રામમંદિરનું બાંધકામ, ગૌરક્ષા, ગંગા સફાઈ સહિત અનેક મુદ્દે ચર્ચા કરવા દ્વારકાપીઠનાં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા પ્રયાગરાજમાં ૨૮મીએ ૩ દિવસ માટે ધર્મ સંસદ બોલાવાઈ છે. આ ધર્મ સંસદમાં પહેલા દિવસે રામમંદિર બાંધવા કેન્દ્રની ભાજપ સરકારે કોઈ ઉચિત પગલાં નહીં લેતાં તેની ટીકા કરતો ઠરાવ સાધ્વી પૂર્ણાબાએ રજૂ કર્યો હતો.
રામમંદિર મુદ્દે કાયદો ઘડવા માગ
ધર્મ સંસદમાં ભાજપના સાંસદ ગોપાલ નારાયણસિંહ અને સમાજવાદી પાર્ટીનાં રેવતી રમણસિંહ હાજર હતા. ઠરાવમાં ગયા વર્ષે વારાણસીમાં યોજાયેલી પરમ ધર્મસંસદમાં મોદી સરકારને રામમંદિર બાંધવા યોગ્ય પગલાં લેવા અપાયેલાં આદેશનો ઉલ્લેખ હતો. જોકે સરકાર દ્વારા તે અંગે કોઈ કાર્યવાહી ન થતા સાધુ-સંતોમાં નારાજગી ફેલાઈ હતી. ત્રણ દિવસ ચાલનારી આ ધર્મ સંસદમાં તમામ રાજકીય પક્ષોને હાજર રહેવા આમંત્રણ છે.
‘અયોધ્યા કેસનું જલદી સમાધાન શોધો’
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી મુલતવી રહ્યાના એક દિવસ પછી ૨૮મીએ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે જનતા આ કેસમાં ઝડપથી ચુકાદો ઇચ્છે છે. તેમણે કહ્યું કે મંદિર કેસ કેટલાય વર્ષોથી અટવાયેલો છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશની જનતા અયોધ્યામાં રામમંદિર બને તેમ ઇચ્છે છે. દેશના નાગરિકોને હું કહેવા માગું છું કે આ કેસનું સમાધાન ઝડપથી શોધાવું જોઈએ.
તેમણે કહ્યું કે, દેશની જનતાની અપેક્ષા છે કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમ બંને કહી ચૂક્યા છે કે કેસનો ઉકેલ બંધારણીય રીતે આવવો જોઈએ. અલ્હાબાદ હાઈ કોર્ટના ચુકાદા પછી પણ વર્ષોથી કેસ પડતર છે. સમગ્ર કેસ ૭૦ વર્ષ જૂનો થઈ ચૂક્યો છે. આ કેસનો ઉકેલ જલદી શોધાવો જોઈએ. પ્રસાદે કહ્યું કે સબરીમાલા, એડલ્ટરી કેસ, કર્ણાટકમાં સરકાર બનાવવાના કેસ કે પછી શહેરી માઓવાદીઓના કેસોમાં સુનાવણી ઝડપથી થઈ જાય છે. આ સારી વાત છે, પરંતુ અયોધ્યા કેસનું પણ સમાધાન શોધવામાં આવે. તેમણે કહ્યું કે અમે કોર્ટનું સન્માન કરીએ છીએ.


