પ્રવાસીઓને આકર્ષવામાં તામિલનાડુ નં. ૧

Saturday 02nd July 2016 07:57 EDT
 
 

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર, ગોવા અને કેરળને પાછળ રાખી તામિલનાડુએ ઘરેલુ અને વિદેશી પર્યટકોને આકર્ષવામાં સતત બીજા વર્ષે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પર્યટન મંત્રાલયના આંકડા અનુસાર, વર્ષ ૨૦૧૫માં તામિલનાડુમાં વિદેશથી આવેલા પર્યટકોની સંખ્યા ૪૬.૮૦ લાખ હતી. આ આંકડો ૨૦૧૪માં ૪૬.૬૦ લાખ હતો. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં ભારતમાં કુલ ૩૩ કરોડ ૩૫ લાખ વિદેશી પર્યટકો ફરવા આવ્યા હતા. તો બીજી તરફ 'ખુશ્બૂ ગુજરાત કી' ખાસ ફેલાઈ શકી નથી. ઘરેલુ પર્યટકોને આકર્ષવામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રાજ્યોની યાદીમાં ગુજરાતને ૯મું સ્થાન હાંસલ થયું છે, તો વળી પર્યટન માટે ખાસ જાણીતું રાજસ્થાન તો છેક ૧૦મા સ્થાને ધકેલાયું છે. વર્ષ ૨૦૧૫માં દેશના વિવિધ પ્રદેશોમાંથી આવેલા ૩.૬૩ કરોડ લોકોએ ગુજરાતની મુલાકાત લીધી હતી.

વિદેશી પર્યટકોને આકર્ષવામાં તામિલનાડુ બાદ મહારાષ્ટ્રનું સ્થાન આવે છે. અહીં ૨૦૧૫માં ૪૪.૧૦ લાખ વિદેશી પર્યટકો આવ્યા હતા. ઉત્તર પ્રદેશના સૌથી લોકપ્રિય સ્થળ તાજમહાલની ૩૧ લાખ લોકોએ મુલાકાત લીધી હતી, આમ ઉત્તર પ્રદેશ આ યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયું છે, તો દિલ્હીની ૨૩.૮૦ લાખ વિદેશી પર્યટકોએ મુલાકાત લીધી હતી અને તે ચોથા ક્રમે છે, ગોવાને ૧ વર્ષ બાદ ટોપ-૧૦નાં લિસ્ટમાં સ્થાન મળ્યું છે. વિદેશી પર્યટકોને આકર્ષવામાં અવ્વલ રહેલાં રાજ્યોની યાદીમાં પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ, છઠ્ઠા ક્રમે રાજસ્થાન, સાતમા ક્રમે કેરળ, આઠમા ક્રમે બિહાર, નવમા ક્રમે કર્ણાટક અને ૧૦મા ક્રમે ગોવાને સ્થાન મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter