પ્રશાંત કિશોર કોંગ્રેસની વ્હારેઃ 2024માં લોકસભા ચૂંટણી જીતવા 370નો પ્લાન

Monday 25th April 2022 05:18 EDT
 
 

નવી દિલ્હી: વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ અને ભાજપ બંનેએ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ હરહંમેશની જેમ અત્યારથી જ કામે લાગી ગયો છે. જ્યારે છેલ્લા કેટલાય સમયથી લગભગ નિષ્પ્રાણ, આંતરિક મતભેદ - વિખવાદનો ભોગ બનતી રહેલી કોંગ્રેસની વ્હારે રાજકીય બાબતોના નિષ્ણાત ગણાતા પ્રશાંત કિશોર પહોંચ્યા છે. પ્રશાંત કિશોરે 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસને 370નો મંત્ર આપ્યો છે. કોંગ્રેસની તાજેતરમાં એક બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવા માટે સહમતી વ્યક્ત કરી હોવાના અહેવાલ છે.
જોકે, પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં કોઈ પદની માંગણી કરી નથી પણ તેઓ કોંગ્રેસમાં જોડાવા માટે તૈયાર છે. દરમિયાન પ્રશાંત કિશોરે કોંગ્રેસ સમક્ષ બેઠક દરમિયાન જીત માટેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને જે પણ સલાહ સૂચનો આપ્યા તેનો રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો હતો. એવા અહેવાલો છે કે ટૂંક સમયમાં પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસસ્થાને ચાલેલી મેરેથોન બેઠકમાં કોંગ્રેસે પ્રશાંત કિશોરને માત્ર સલાહકાર નહીં, પણ પક્ષમાં જોડાવા કહ્યું હતું. જેના પર કિશોરે સહમતિ વ્યક્ત કરી છે. જોકે તેઓ ક્યારે પક્ષમાં જોડાશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ.
બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર
છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ બેકફૂટમાં ચાલતી રહેલી કોંગ્રેસને હાલ સંજીવનીની જરૂર છે. પ્રશાંત કિશોરની એન્ટ્રીને કોંગ્રેસ બદલાવ તરીકે જોડાઈ રહી છે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તો પક્ષને ઘણો ફાયદો થવાની આશા છે. બીજી તરફ પ્રશાંત કિશોરે કોંગ્રેસને લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્લાન 370 આપ્યો છે. પીકેએ પોતાના પ્રેઝન્ટેશનમાં કહ્યું છે કે કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી 2024માં 370 બેઠકો પર ધ્યાન આપવું જોઈએ. કોંગ્રેસે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં એકલા ચૂંટણી લડવી જોઈએ. જ્યારે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ગઠબંધનથી ચૂંટણી લડવી વધુ ફાયદાકારક રહેશે. કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે પ્રશાંત કિશોરની આ સલાહ સાથે રાહુલ ગાંધી સહમત થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter