પ્રસિદ્ધ સિંગર કેકેનું હાર્ટએટેકથી નિધનઃ લાઈવ કોન્સર્ટમાં મંચ પર જ પડી ગયા

Wednesday 01st June 2022 05:04 EDT
 
 

કોલકાતાઃ હિન્દી ફિલ્મજગતના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નથ એટલે કે કેકેનું કોલકાતામાં 53 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કોલકાતામાં નાઝરુલ માંચમાં કોન્સર્ટમાં પર્ફોમ કરી રહ્યા હતા ત્યારે જ તેમની તબિયત બગડી ગઈ હતી અને પડી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે કેકેનું હૃદયરોગના તીવ્ર હુમલાથી અવસાન થયું છે. જોકે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમના મોત પાછળનું ખરું કારણ જાળવા મળશે.
કેકે બોલિવૂડના ખૂબ જ લોકપ્રિય સિંગર હતા તે ઉપરાંત તેમણે અનેક ભાષાઓમાં ગીત ગાયા હતા. તેઓ મધુર અવાજથી લાખો ચાહકોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા. 90ના દાયકાના 'યારો' ગીતોથી સફળતાના શિખર તરફ આગળ વધવાની શરૂઆત કરી હતી અને રોમેન્ટિકથી લઈ પાર્ટી સોંગ સુધી તેમના સ્વરનું સામ્રાજ્ય ફેલાયેલું હતું.
કેકેએ મંગળવારે સવારે જ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી હતી, જેમાં તેઓ હાથમાં માઇક લઇને ગાતા જોવા મળે છે. કેકેનું પ્રથમ આલ્બમ 'પલ' વર્ષ 1999માં રિલિઝ થયું હતું. સિંગર-કોમ્પોઝીટર કે જેમનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નથ હતું તેમણે બોલીવૂડ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમણે તડપ તડપ... (હમ દિલ દે ચુકે સનમ, 1999), દસ બહાને... (દસ, 2005), તુને મારી એન્ટ્રીયા... (ગુંડે,2014) જેવા ગીતો સંગીતબદ્ધ કર્યા હતા.
અનેક યાદગાર ફિલ્મી ગીતોથી અમર થયા
તેમણે સલામન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના 'તડપ તડપ કે ઈસ દિલ' ગીતથી એક ખાસ છાપ છોડી છે. આ ઉપરાંત ફિલ્મ બચના એ હસીનોંનાનું ખુદા જાને..., કાઈટ્સ ફિલ્મનું જિંદગી દો પલ કી..., ફિલ્મ જન્નતનું ગીત જરા સા..., ગેંગસ્ટર ફિલ્મનું ગીત તુહી મેરી શબ હૈ..., શાહરુખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમનું ગીત આંખો મેં તેરી અજબ સી... તેમજ બજરંગી ભાઈજાનના ગીત તુ જો મિલા..., ઈકબાલ ફિલ્મનું આશાએં... અને અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મના ગીત મૈ તેરા ધડકન તેરી...થી ખૂબ જ લોકપ્રિય રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter