પ્રાણપ્રતિષ્ઠા પર્વે ઘરે શ્રીરામ જ્યોત પ્રગટાવો અને દિવાળી ઊજવો

Wednesday 03rd January 2024 06:02 EST
 
 

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ અને રેલવે સ્ટેશનની ભેટ આપી તો સાથે સાથે જ દેશને 6 નવી ટ્રેનની ભેટ આપી. આ પ્રસંગે વડાપ્રધાને લોકોને શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ધસારો ન કરવા અપીલ કરીને 22 જાન્યુઆરીએ લોકોને ઘરે રહીને જ રામજ્યોત પ્રગટાવી દિવાળી ઊજવવા અપીલ કરી છે.
તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે, તમે 550 વર્ષોથી વધારે સમય રાહ જોઈ છે, વધુ થોડો સમય રાહ જુઓ. દરેકને ઇચ્છા છે કે 22 જાન્યુઆરીએ આયોજનમાં જોડાવા માટે તેઓ સ્વયં અયોધ્યા પહોંચે, પરંતુ દરેકનું અહીં આવવું શક્ય નથી. તેથી તમામ રામભક્તોને મારો આગ્રહ છે કે 22 જાન્યુઆરીએ એકવખત વિધિપૂર્વક કાર્યક્રમ થઈ જાય તે બાદ તમારી સુવિધા અનુસાર અયોધ્યા આવો અને ભગવાન શ્રીરામનાં દર્શન કરો.
પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં પોતાના ઘરે શ્રીરામ જ્યોત પ્રગટાવે. તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યથી આપણા જીવનમાં આવી છે. આ ક્ષણ પર તમે સૌ 140 કરોડ દેશવાસી 22 જાન્યુઆરીએ પોતાના ઘરમાં શ્રીરામ જ્યોત પ્રગટાવવી દિવાળી ઊજવે.

અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષતાઓ
રામનગરી અયોધ્યામાં ક્યારેક માત્ર માત્ર 178 એકરમાં ફેલાયેલું એરપોર્ટ હતું. હવે લગભગ 821 એકરમાં વિસ્તરેલું એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સના ટેઇકઓફ-લેન્ડીંગ માટે તૈયાર કરાયું છે. અહીં 2,200 મીટરનો રનવે તૈયાર કરાયો છે. એક કલાકમાં બેથી ત્રણ ફલાઇટ્સ ઉતરાણ કરશે. આ એર-સ્ટ્રિપ પર બોઇંગ 737. એરબસ 310, અને 320 જેવાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવી શકાશે. આગામી 16મી જાન્યુઆરીથી નિયમિત વિમાનસેવાઓની શરૂઆત થઈ જશે.

રામમંદિરની શૈલીમાં જ રેલવે સ્ટેશન
અયોધ્યામાં નવનિર્મિત રેલવે સ્ટેશન રામમંદિરની શૈલીમાં જ વિકસાવાયું છે. ત્રણ પ્લેટફોર્મના આ સ્ટેશન પર તકલીફ ન પડે તે માટે સેંકડો વાહનો માટેની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 10 હજાર વર્ગ કિલોમીટરમાં વિસ્તરેલા સ્ટેશન પરિસરમાં રેલવે કર્મીઓ માટે આવાસ, રેલવે પોલીસ કાર્યાલય, લિફટ, એસ્કેલેટર, ફૂ પ્લાઝા, એસી વેઇટિંગ રૂમ. વીઆઇપી લોન્જ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સંપૂર્ણપણે વાતાનુકુલિત ત્રણ કિમી લાંબા સ્ટેશનને બે ફેઝમાં વિકસાવવાનું છે. પહેલા ચરણ બાદ 430 કરોડ રૂપિયાના ખર્ચે બીજા ચરણમાં એર કોર્નકોર્સ વિકસાવાશે. છતની ડિઝાઇન કમલની પાંખડીઓ જેવી હશે. સ્ટેશનના દક્ષિણ ભાગે બીજા બે પ્લેટફોર્મ વિકસાવાશે. આ ટર્મિનલને લગભગ એક લાખ મુસાફરોની ક્ષમતા માટે બનાવાઈ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter