પ્રાણપ્રતિષ્ઠા પહેલાં નરેન્દ્ર મોદીનું 11 દિવસનું અનુષ્ઠાન

Wednesday 17th January 2024 04:33 EST
 
 

નવી દિલ્હી, તા. 12ઃ ભગવાન રામની નગરી અયોધ્યા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જ રામમય થઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં શુક્રવારથી 11 દિવસનું અનુષ્ઠાન શરૂ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો સંદેશામાં જણાવ્યું હતું કે, હું આજથી 11 દિવસનું વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યો છું. હું તમામ જનતા જનાર્દન પાસેથી આશીર્વાદની આકાંક્ષા રાખું છું. આ સમય, આપની ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. રામ મંદિર અંગે હું ખૂબ જ ભાવુક છું. જીવનની કેટલીક ક્ષણો ઈશ્વરીય આશીર્વાદના કારણે હકીકતમાં બદલાય છે. આજે આપણે બધા જ ભારતીયો માટે, દુનિયાભરમાં ફેલાયેલા રામભક્તો માટે આવો જ પવિત્ર અવસર છે. દરેક તરફ પ્રભુ શ્રીરામની ભક્તિનું અદ્ભૂત વાતાવરણ છે. ચારે દિશાઓમાં રામ નામની ગૂંજ છે. તેમણે ઉમેર્યું કે, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા પૂર્વે હું આજથી 11 દિવસનું અનુષ્ઠાન શરૂ કરીશ. પ્રાણ-પ્રતિષ્ઠાને માત્ર 11 દિવસ જ બાકી રહ્યાં છે. મારું તે સૌભાગ્ય છે કે, આ પુણ્ય પ્રસંગમાં હું સાક્ષી બનીશ. પ્રભુએ મને તમામ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવા નિમિત્ત બનાવ્યો છે. તે ખ્યાલમાં રાખી આજથી હું આ વિશિષ્ઠ વિધિ શરૂ કરવાનો છું. વિદ્વાનો જણાવે છે કે, વૈદિક-વિધિ પ્રમાણે અનુષ્ઠાન એટલે સવારે બ્રહ્મ મુહૂર્ત જાગવાનું (સવારે 4 વાગે જાગી જવાનું), પછી સ્નાનાદિક કાર્ય કરી ઈશ્વરનું ધ્યાન ધરવાનું ભોજનમાં માત્ર ફળાહાર લેવાનો હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter