મુંબઈઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ ગયાં છે. ૧૯ એપ્રિલે સવારે તેમણે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી આપ્યું હતું. આ પછી તેઓ મુંબઈમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શિવસેનામાં જોડાવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પ્રિયંકાએ કહ્યું કે આગ્રામાં તેમની સાથે ગેરવર્તન કરનારાઓને ફરી કોંગ્રેસમાં સામેલ કરાતાં તેઓ દુઃખી હતા, જેથી પક્ષ છોડ્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓ બહુચર્ચિત રફાલ જેટ કરાર અંગે પત્રકાર પરિષદને સંબોધવા આગ્રા ગયા હતા, જ્યાં પક્ષના જ કેટલાક કાર્યકરોએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. બાદમાં પ્રિયંકાની ફરિયાદના આધારે દોષિત કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે થોડાક જ દિવસ આ તમામ બરતરફ કાર્યકરોને ફરી પક્ષમાં સમાવી લેવામાં આવતાં પ્રિયંકા નારાજ હતા. જોકે બીજી તરફ ચર્ચા એવી પણ છે કે પ્રિયંકાને ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી લોકસભા ટિકિટ જોઈતી હતી પણ ત્યાં કોંગ્રેસે સંજય નિરુપમને ઉમેદવાર બનાવ્યા છે.