નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પૂર્વે રાજનીતિમાં પ્રવેશનારાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રેદશમાં કોંગ્રેસે ગુમાવેલી શાખ પુનઃપ્રાપ્ત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમણે સોમવરથી ‘ગંગા યાત્રા’ શરૂ કરી છે. જેના દ્વારા પ્રિયંકા ગાંધી મતદારોને તેનો અનુરોધ કરી રહ્યા છે કે તેઓ એવી સરકારને ચૂંટે કે જે તેમના માટે કામ કરે.
આ સાથે પ્રિયંકા ગાંધીએ લોકસંપર્ક દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ અને ભાઈ રાહુલ ગાંધી જે કહે છે તે કરી બતાવે છે.
ગ્રીન કોટન સાડી અને પિન્ક બ્લાઉઝમાં સજ્જ પ્રિયંકા ગાંધીએ ગંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ સહિત વિવિધ ક્ષેત્રના સેંકડો લોકો સાથે મુલાકાત કરી હતી. તેમણે કેટલાક નાગરિકોને પોતાની સાથે બોટમાં સફર કરવા માટે પણ આવકાર્યા હતા. પ્રિયંકા ગાંધી બોટ દ્વારા ગંગા નદીમાં ૧૦૦ કિમીની સફર કરશે. જે સફર અલ્હાબાદ (પ્રયાગરાજ)થી વારાણસી સુધીની રહેવાના અહેવાલ આપ્યા હતા.