પ્રેમમાં નિષ્ફળ થવાથી ખેડૂતો આત્મહત્યા કરે છેઃ કૃષિ પ્રધાન

Monday 27th July 2015 09:18 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધામોહન સિંહે ખેડૂતોની આત્મહત્યા અંગે વિવેકહીન વાત કહી છે. કૃષિ પ્રધાને દાવો કર્યો છે કે, નિષ્ફળ પ્રેમનાં કારણે પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેવામાં ડૂબેલા ખેડૂતો સતત આત્મહત્યા કરી રહ્યા છે. રાધામોહન સિંહે કહ્યું કે, ખેડૂતોની આત્મહત્યાનાં ઘણા કારણો છે. તેમાંથી પ્રેમમાં નિષ્ફળ પણ એક કારણ છે. તેમણે જણાવ્યું કે, દેશભરમાં ગત વર્ષે ૧૪૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. રાજ્યસભામાં લેખિત જવાબમાં કૃષિ પ્રધાને જણાવ્યું કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોનાં આંકડા પ્રમાણે ખેડૂતોની આત્મહત્યા પાછળ પારિવારિક કારણ, બિમારી, નશો, દહેજ, પ્રેમ પ્રસંગ અને નપુંસકતા જેવા કારણો રહ્યા છે.

જનતા દળ (યુ)ના નેતા કેસી ત્યાગીએ જણાવ્યું કે, તેઓ પ્રધાનનાં નિવેદનને અંગે સંસદમાં વિશેષાધિકારનાં ભંગની નોટિસ આપશે. કોંગ્રેસ પ્રવક્તા રાજ બબ્બરે જણાવ્યું કે, ‘મને નથી લાગતું ભાજપ સિવાય અને કોઈ પાર્ટીને ખેડૂતોને માટે આટલી ખરાબ માનસિકતા હોય.’

નરેન્દ્ર મોદીની કાળાનાગ સાથે સરખામણીઃ બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુપ્રસાદ યાદવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી કાળાનાગ સાથે કરી છે. તેમણે ૨૬ જુલાઇએ પટણામાં જણાવ્યું હતું કે, ભગવાન કૃષ્ણે તળાવમાં ઝેર ફેલાવનાર કાળાનાગને નાથીને છોડી દીધો હતો તો તેમણે કળિયુગમાં નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં પુનઃ જન્મ લીધો છે. મોદીએ પહેલા ગુજરાતને ડંખ માર્યો હવે સમગ્ર દેશને ડંખવા નીકળ્યા છે. બિહારથી મહાભારત શરૂ થયું છે. અમે મોદીને નથ પહેરાવીને ભગાડીશું.’ ઉલ્લેખનીય છે કે, જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ શહેરના ગાંધી મેદાનમાં ઉપવાસ પર બેઠા છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાને રાષ્ટ્રીય જનતા દળને ‘રોજાના જંગલરાજ કા ડર’ (રાજદ) પાર્ટી કહ્યું છે પરંતુ ભાજપ ‘ભારત જલાવો પાર્ટી’ છે. મોદી વડા પ્રધાન બનવા લાયક નથી, તેઓ ડિરેલ થઈ ગયા છે.

સુષ્મા સ્વરાજે ફેરવી તોળ્યુંઃ કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, ‘મેં લલિત મોદીને ટ્રાવેલ દસ્તાવેજ મેળવવામાં કોઈ મદદ કરી નથી. મેં લલિત મોદી માટે યુકેની સરકારને કોઈ વિનંતી કરી નહોતી. મેં લલિત મોદી અંગેનો નિર્ણય યુકેની સરકાર પર છોડ્યો હતો કે તેઓ તેમના કાયદા મુજબ કાર્યવાહી કરે. આ માટે સંસદમાં ચર્ચા કરવા અને તેનો જવાબ આપવા પણ હું તૈયાર છું, પરંતુ કોંગ્રેસના સાંસદો નથી ઇચ્છતા કે સંસદમાં ચર્ચા થાય.’ ઉલ્લેખનીય છે કે આઈપીએલના પૂર્વ કમિશનર અને આર્થિક કૌભાંડોના ભાગેડુ આરોપી લલિત મોદીને યુકેના ટ્રાવેલ વિઝા અપાવવામાં મદદ કરવાના આરોપો વિરોધ પક્ષોએ સ્વરાજ સામે મુક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter