નવીદિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી તંદુરસ્તીના હાલ જાણવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૪મીએ અચાનક એમ્સ પહોંચ્યા હતા. મોદીએ એમ્સ વહીવટીતંત્રને પણ પૂર્વ માહિતી નહોતી આપી. સુરક્ષા પ્રોટકોલ તોડીને વડા પ્રધાનનો કાફલો નિવાસસ્થાનેથી નીકળ્યો હોવાથી નિવાસસ્થાનથી માંડીને એમ્સ સુધી પ્રત્યેક ટ્રાફિક સિગ્નલ પર કાફલાને રોકાણ કરવું પડ્યું હતું.
મોદી રવિવારે રાતે નવ વાગ્યા પછી એમ્સ પહોંચ્યા હતા. ત્યાં અંદાજે ૨૦ મિનિટ રોકાયા હતા. ૯૩ વર્ષના અટલજીને ૧૧ જૂના રોજ એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને ડાયાબિટીસ છે અને એકજ કિડની કામ કરી રહી છે. આ વખતે યુરિનરી ટ્રેકમાં ઇન્ફેકશન થયું હોવાને કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અટલજીના અંગત ફિઝિશિયન ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખમાં છેલ્લા ૩૦ વર્ષથી એમ્સમાં અટલજીનો ઉપચાર ચાલુ છે. તેમને ઇન્જેક્શન એન્ટિબાયોકિ અપાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અટલજીને એઈમ્સમાં દાખલ કરાયા ત્યારે સૌથી પહેલાં તેમના હાલચાલ જાણવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા બાદ ભાજપમાં વિવાદ થયો હતો.