ફતવાની ઐસીતૈસી, મહિલાઓ મસ્જિદમાં નમાઝ અદા કરી શકશેઃ પર્સનલ લો બોર્ડ

Wednesday 29th January 2020 07:41 EST
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા લાખો મુસ્લિમ મહિલાઓને નવા વર્ષની ભેટ અપાઈ છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે કે મુસ્લિમ કે કોઇ પણ સમાજની મહિલા મસ્જિદમાં પ્રવેશી શકશે, એટલું જ નહીં તે નમાઝ પણ અદા કરી શકશે. આ સાથે જ મહિલાઓ અંગે જે પણ ફતવાઓ મૌલવીઓ દ્વારા જારી થાય છે તેનું પાલન કરવા માટે મહિલાઓ બાધ્ય નથી તેવી જાહેરાત પણ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ બધી જ જાહેરાત અને સ્પષ્ટા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કરી હતી.

સુપ્રીમમાં દાખલ સોગંદનામામાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ૨૯મી જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, ઇસ્લામ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવા કે નમાઝ અદા કરતા નથી રોકતો, ઇસ્લામના ધર્મગ્રંથોમાં લખ્યું છે કે મહિલાઓ પણ મસ્જિદમાં પ્રવેશ અને પ્રાર્થના કરી શકે છે અને જો કોઇ પણ મૌલવી કે ધર્મગુરુ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશતા અટકાવવા માટે ફતવા બહાર પાડે તો આવા ફતવાઓને મહિલાઓ ધ્યાન પર ન લે અને મરજી મુજબ મસ્જિદમાં આવ જાવ કરી શકે છે અને નમાઝ પણ પઢી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે જેમાં ધાર્મિક સ્થળોએ દરેક ધર્મની મહિલાઓ સાથે થતા ભેદભાવને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ સંયુક્ત રીતે સુનાવણી કરે છે જેમાં સબરીમાલા મંદિર અને મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધનો મામલો પણ સામેલ છે.

આ મામલે સુપ્રીમ કોર્ટે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પાસેથી સમગ્ર મામલે જવાબ માગ્યો હતો. પોતાના જવાબમાં બોર્ડે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મુસ્લિમ કે કોઇ પણ ધર્મની મહિલાઓના મસ્જિદમાં પ્રવેશવા પર કોઇ જ પ્રતિબંધ નથી અને સાથે જ આવા પ્રતિબંધો મુકતા ફતવાઓને મહિલાઓ ધ્યાન પર ન લે.

સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ સમાજના યસમીન ઝુબેર અહેમદ અને તેમના પતિ ઝુબેર અહેમદ નઝીર દ્વારા મુસ્લિમ મહિલાઓને પણ મસ્જિદમાં પ્રવેશવાની છુટ આપતી માગ થઈ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કુરાનમાં ક્યાંય પણ કોઇ પણ મહિલાની સાથે લીંગના આધારે ભેદભાવ કરવાનું નથી કહેવામાં આવ્યું, આવી સ્થિતિમાં મહિલાઓને મસ્જિદમાં જતા અટકાવવી ગેરબંધારણીય છે અને તેવું કરનારા સામે પગલા લેવામાં આવે.

બાદમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ સ્વીકાર કરતા કહ્યું હતું કે કોઇ ધાર્મિક ગ્રંથ કે કુરાન મહિલાઓને મસ્જિદમાં પ્રવેશતા નથી આટકાવતી. મહિલાઓ મસ્જિદમાં જઇને નમાઝ પઢી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter