ફરી વેરઝેરના વાવેતર?

Wednesday 20th November 2019 04:31 EST
 
અયોધ્યા ચુકાદા મામલે રિવ્યૂ પિટિશન કરવાનો ઓલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો નિર્ણય જાહેર કરતા વકીલ ઝફરયાબ જિલાની સાથે સંગઠનના અન્ય અગ્રણીઓ
 

લખનઉઃ અયોધ્યાના બહુચચર્ચિત જમીન વિવાદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આવ્યાના અઠવાડિયા બાદ નવો વળાંક આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે રામ જન્મભૂમિ કેસમાં ચુકાદો ફરમાવ્યો ત્યારે કરોડો હિન્દુ-મુસ્લિમોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી કે હાશ, દાયકાઓ જૂના વિવાદનો આખરે અંત આવ્યો. ક્યાંય કોઇ કચવાટ – અસંતોષ નહોતો. જોકે એક નાનકડા વર્ગને દેશના બે સૌથી મોટા સમુદાયો વચ્ચેનો કોમી એખલાસ માફક આવ્યો હોય તેમ લાગતું નથી.  મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ હોવાનો દાવો કરતા ઓલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપી-એલબી) અને જમિયત-ઉલેમા-એ-હિંદે બાબરી મસ્જિદના બદલામાં અન્ય સ્થળે જમીન સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. સાથોસાથ ચુકાદા સામે અપીલ કરવાની પણ જાહેરાત કરી છે. 

ઓલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સેક્રેટરી ઝફરયાબ જિલાનીએ રવિવારે જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ ટાઇટલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો મુસ્લિમ પર્સનલ લો બોર્ડે નિર્ણય કર્યો છે. રવિવારે લખનઉ ખાતે સંગઠનની બેઠક યોજાયા બાદ તેમણે આ જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ જ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ચુકાદા પૂર્વે એકથી વધુ વખત કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ જે કંઇ પણ ચુકાદો આપશે તે અમને માન્ય રહેશે. કેસના મુખ્ય પક્ષકાર હામિદ અન્સારીના પુત્ર ઇકબાલ અન્સારી પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાને શિરોમાન્ય ગણાવીને તેની સામે અપીલ કરવાનો ઇન્કાર કરી ચૂક્યા છે. કોર્ટના ચુકાદા બાદ દેશમાં શાંતિનો માહોલ ખરડાય તેવો એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આવા સમયે ઓલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વલણ બે સમુદાયો વચ્ચે ફરી એક વખત વિખવાદના બીજ રોપે તો નવાઇ નહીં.
જિલાનીએ જણાવ્યું હતું કે, અયોધ્યા મામલામાં નવમી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે ૩૦ દિવસમાં રિવ્યૂ પિટિશન દાખલ કરાશે. મુસ્લિમો મસ્જિદની જમીનના બદલામાં અન્ય જમીન સ્વીકારી શકે નહીં. બોર્ડનું માનવું છે કે, મસ્જિદની જમીન અલ્લાહની છે. શરિયતના કાયદા અનુસાર તે અન્ય કોઇને આપી શકાય નહીં. આ પ્રકારની સ્થિતિમાં ઇસ્લામિક કાયદા પ્રમાણે એ જ મસ્જિદ અન્ય સ્થળે બાંધી શકાય નહીં. આ જમીન માટે અંતિમ શ્વાસ સુધી કાનૂની લડાઇ અમે લડીશું. અમે બીજી મસ્જિદ માટે સુપ્રીમ કોર્ટમાં ગયા નહોતા. ન્યાયનાં હિતમાં મુસ્લિમોને બાબરી મસ્જિદની જમીન આપી દેવી જોઇએ.
જિલાનીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ઘણી ખામીઓ હોવાથી રિવ્યૂ પિટિશન દાખલ કરવી જરૂરી બની ગઇ છે.

મસ્જિદ માટે વૈકલ્પિક જમીન મંજૂર નહીંઃ જમિયત

ઓલ ઇંડિયા મુસ્લિમ લો બોર્ડની જેમ જ અન્ય સંગઠન જમિયત-ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ પણ જણાવ્યું હતું કે, જમિયત કોર્ટના અયોધ્યા કેસના ચુકાદાને પડકારતી રિવ્યૂ પિટિશન દાખલ કરશે. જમિયતની ટોચની નિર્ણાયક સમિતિમાં ચર્ચા વિચારણા બાદ અમે આ નિર્ણય લીધો છે. જમિયતની કારોબારી સમિતિએ આ માટે મંજૂરી આપી દીધી છે. અયોધ્યાનો ચુકાદો અમારી વિરુદ્ધ છે. અમે એ પણ જાણીએ છીએ કે અમારી રિવ્યૂ પિટિશન રદ થવાની ૧૦૦ ટકા શક્યતા રહેલી છે. આમ છતાં અમારે રિવ્યૂ પિટિશન દાખલ કરવી જોઇએ. એ અમારો હક છે.
અયોધ્યા ટાઈટલ કેસમાં એક મુસ્લિમ પક્ષકાર એવા જમિયત-ઉલેમા-એ-હિન્દે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મસ્જિદ નિર્માણ માટે વૈકલ્પિક સ્થળે પાંચ એકર જમીન સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમણે આ મુદ્દે યોગ્ય વિચારણા કરવાની વાત પણ કરી છે. દિલ્હીમાં ૧૪ નવેમ્બરે જમિયતની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે સંસ્થાને મસ્જિદના બદલામાં જમીન કે પૈસા કશું સ્વીકાર્ય નથી.
સંસ્થાની પાંચ સભ્યોની કમિટિના પ્રમુખ મદનીએ કહ્યું હતું કે આ માટે તેઓ કાનૂની અભિપ્રાય લઈ રહ્યા છે. આમ વર્કિંગ કમિટીની બેઠકમાં બે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કમિટીએ સર્વાનુમતે નક્કી કર્યું હતું કે, વિશ્વમાં ક્યાંય મસ્જિદનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી. કોઈ પણ મુસ્લિમ સંસ્થાને સોદાબાજી કરવાનો અધિકાર નથી.

રિવ્યૂ પિટિશનમાં રસ નથી: ઈકબાલ અંસારી

અયોધ્યા વિવાદિત જમીન કેસના મુખ્ય પક્ષકાર હામિદ અન્સારીના પુત્ર ઈકબાલ અન્સારીએ મસ્જિદ મુદ્દે રિવ્યૂ પિટિશનના નિર્ણયથી અંતર જાળવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, અમે કશું જ કરવા માગતા નથી. નીચલી અદાલત, હાઈ કોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટ... ૭૦ વર્ષ આ રીતે પસાર થઈ ગયા. હવે કોર્ટનો ચુકાદો આવી ગયો છે, અમે સ્વીકારી પણ લીધો છે. અમે હવે આગળ જવા માગતા નથી. અમને રસ નથી. આ કેસમાં ઘણા પક્ષકાર છે. કોણ શું કરી રહ્યું છે તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. ૭૦ વર્ષથી કેસ ચાલી રહ્યો છે. નવ પક્ષકારો છે. કોણ ક્યાં જાય છે તે વિશે મારે કશું જ કહેવું નથી. અમે પણ પક્ષકાર છીએ. અમે કોર્ટનો ચુકાદો સમ્માન સાથે સ્વીકારી લીધો છે.

સંપાદિત જમીનમાં જ પાંચ એકર આપોઃ અન્સારી

જોકે અયોધ્યા કેસના મુખ્ય પક્ષકાર ઇકબાલ અન્સારી સહિત અનેક મુસ્લિમ નેતાઓએ એવી લાગણી અને માગણી વ્યક્ત કરી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંતર્ગત નવી મસ્જિદના નિર્માણ માટે અપાનારી પાંચ એકર જમીન અયોધ્યામાં સંપાદિત કરાયેલી ૬૭ એકર જમીનની અંદર જ હોવી જોઈએ.
ઇકબાલ અન્સારીએ કહ્યું કે જો સરકાર અને સુપ્રીમ કોર્ટ અમને જમીન આપવા માગતા હોય તો અમારી સગવડતા અનુસાર જમીન મળવી જોઈએ અને તે ૬૭ એકરની અંદર જ હોવી જોઈએ, તો જ અમે જમીન લઈશું. બીજા કોઈ સ્થળે આપવામાં આવતી જમીન અમને મંજૂર નથી અને અમે તેને નકારી દઈશું.

અરજીથી મુસ્લિમોને કોઇ ફાયદો નહીં થાયઃ મોહમ્મદ

અયોધ્યામાં વિવાદિત જમીનના પુરાતત્વિક સર્વેક્ષણ માટે ખોદકામ કરનારી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ) ટીમનું નેતૃત્વ કરી ચૂકેલા કે. કે. મોહમ્મદનું માનવું છે કે ચુકાદા સામે અરજી કરવાથી મુસ્લિમોને કોઈ ફાયદો નહીં થાય. તેમણે કોર્ટના ચુકાદા સામે રિવ્યૂ પિટિશન કરવાની ઓલ ઈન્ડિયાન મુસ્લિમ પર્સનલ લો બોર્ડની યોજનાનો વિરોધ કર્યો છે.
રવિવારે નાગપુરમાં ‘ભારતીય મંદિરઃ સંશોધન અને પુરાતત્વીય શોધો’ વિષય પર વક્તવ્ય આપતાં તેમણે જણાવ્યું હતું કે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર કરતી અરજી દાખલ કરવાથી મુસ્લિમ સમુદાયને કોઇ ફાયદો નહીં થાય.

મારે મારી મસ્જિદ પાછી જોઈએ: ઓવૈસી

બીજી તરફ મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ ૧૫ નવેમ્બરે ટ્વિટ કર્યું હતું કે ‘મારે મારી મસ્જિદ પાછી જોઈએ...’ આ પછી નેટીઝન્સ તેમની પર તૂટી પડયા હતા અને તેમને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. એક ટ્વિટર યૂઝર્સે તેમને પરખાવ્યું હતું કે જો તમારે તમારી મસ્જિદ પાછી જોઈતી હોય તો ૧૬મી સદીમાં પાછા ચાલ્યા જાઓ. કારણ કે આ મુઘલ કાળનું ભારત નથી. જ્યારે બીજા એક યૂઝર્સે લખ્યું હતું કે (ઓવૈસીને) બહુ પાછળના કાળમાં નહીં મોકલી દેતાં, નહી તો ફરી પાછું રામમંદિર જ મળશે.

સુરક્ષા એલર્ટ: જસ્ટિસ નઝીરને ઝેડ સિક્યોરિટી

નવી દિલ્હીઃ અયોધ્યા કેસનો ઐતિહાસિક ચુકાદો આપનારી પાંચ જજોની બેન્ચના એક સભ્ય જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારની સુરક્ષા વધારવામાં આવી છે. જસ્ટિસ નઝીરને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. મહત્ત્વની વાત એવી છે કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા નામના કટ્ટરવાદી સંગઠન દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી. આ કટ્ટરવાદી સંગઠનથી તેમને જીવનું જોખમ હોવાના સુરક્ષા એજન્સીઓના એલર્ટ બાદ સરકાર દ્વારા તેમને વિશેષ સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter