ફાળકે પુરસ્કારથી સન્માનિત કે. વિશ્વનાથનું અવસાન

Wednesday 08th February 2023 04:35 EST
 
 

ભારતીય સિનેમાના પીઢ ફિલ્મ સર્જક અને કલાતપસ્વીના નામથી જાણીતા કે. વિશ્વનાથનું 92 વર્ષની વયે નિધન થતાં દક્ષિણ ભારત સહિત બોલિવૂડમાં શોકની લહેર ફેલાઈ છે. એ. આર. રહેમાન, કમલ હસન, જયા પ્રદા, મામૂટી, મોહન લાલ, અનિલ કપૂર, રાકેશ રોશન સહિતની હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉત્કૃષ્ટ સંગીત, નૃત્ય તથા સામાજિક થીમ ધરાવતી વાર્તાઓની ફિલ્મોથી જાણીતા કે. વિશ્વનાથને ભારતીય સિનેમામાં સર્વોત્કૃષ્ટ પ્રદાન બદલ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થયો હતો. તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. તેઓ ચાર નેશનલ એવોર્ડ તથા દસ ફિલ્મફેર એવોર્ડ વિનર રહી ચૂક્યા છે.
સાઉન્ડ આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા વિશ્વનાથે ખાસ કરીને કમલ હસન, જયા પ્રદા, અનિલ કપૂર તથા રાકેશ રોશન જેવા કેટલાય કલાકારોને તેમની કેરિયર બેસ્ટ ફિલ્મો આપી હતી. સાઉથમાં શંકરભરમ્, સ્વાતિકિરણમ, શ્રુતિયલાયલુ, સ્વરાભિષેકમ, તથા સાગર સંગમ તેમની માઈલસ્ટોન ફિલ્મો ગણાય છે. કમલ હસન અને અનિલ કપૂર તથા રાકેશ રોશને તેમને એક્ટિંગની સ્કૂલ તથા ફિલ્મ મેકિંગ કળાના ગુરુ સમાન ગણાવીને અંજલી આપી હતી. હિંદીમાં તેમની કામચોર, સંજોગ, જાગ ઉઠા ઈન્સાન, સંગીત, ઈશ્વર વગેરે જાણીતી ફિલ્મો છે. તેમની ખાસિયત એ હતી કે તેમની ફિલ્મોનાં ગીતો હંમેશાં પોપ્યુલર રહેતાં હતાં. ‘સરગમ’ ફિલ્મથી ૠષિ કપૂરને ડફલીવાલે હીરો તરીકેની ઓળખ મળી હતી, જે તેમની કારકિર્દી સાથે કાયમ માટે વણાઈ ગઈ હતી. પોતાની શાનદાર કારકિર્દીમાં તેમણે 1992માં પદ્મશ્રી, પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર, આંધ્ર પ્રદેશ સરકારના નંદી પુરસ્કાર લાઇફટાઇમ એચીવમેન્ટ પુરસ્કાર સહિત 10 ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter