ફિલ્મોને પાઇરસીથી બચાવે છે સ્કૂલ ડ્રોપઆઉટ મનન

Tuesday 12th March 2019 08:34 EDT
 
 

મુંબઈ: ફિલ્મઉદ્યોગને પાઇરસીને કારણે કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે ત્યારે મુંબઈનો SSC ડ્રોપઆઉટ ગુજરાતી છોકરો આશાનું કિરણ બનીને ઉભરી રહ્યો છે. ભારત સરકાર દ્વારા માન્યતા મેળવનારા એથિકલ હેકર મનન શાહે અત્યાર સુધીમાં ૧૫ ફિલ્મોને પાઇરસીથી બચાવી છે.
ભારત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં ફિલ્મોની પાઇરસી (ડુપ્લિકેટ પ્રિન્ટ)ને અટકાવવા એન્ટિટી કેમકોર્ડ રેગ્યુલેશનને સિનેમેટોગ્રાફી એક્ટમાં સમાવ્યો છે. બોલીવુડ ફિલ્મઉદ્યોગમાં એન્ટિ-પાઇરસી ક્ષેત્રે કામ કરતા ભારત સરકાર દ્વારા માન્ય એકમાત્ર સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ તરીકે ઓળખ ઊભી કરનાર મુંબઈનો ૨૫ વર્ષીય મનન શાહ એસએસસી ડ્રોપઆઉટ છે. મનન દ્વારા બોલીવુડની ફિલ્મો રિલીઝ થવા પહેલાં ફિલ્મોના ડિજિટલ રાઇટ્સ મેળવી લેવામાં આવે છે. ત્યાર બાદ ફિલ્મ રિલીઝના ૨૪ કલાક સુધી મનનની ટીમ દ્વારા ઓનલાઇન મોનિટરિંગ કરાય છે.
મોબાઇલ દ્વારા ફિલ્મનું રેકોર્ડિંગ કરીને એની ડુપ્લિકેટ કોપી તૈયાર કરવામાં આવે છે એમ જણાવતાં મનન શાહે કહ્યું હતું કે ‘જેના કારણે ફિલ્મના ડાયરેક્ટરોને જંગી આર્થિક ફટકો પડે છે. પાઇરસીને સિનેમેટોગ્રાફી એક્ટમાં સમાવ્યા બાદ મેં બોલીવુડ અને ગુજરાતની ૧૫ ફિલ્મોને પાઇરસીથી બચાવી છે. એક ફિલ્મની ૨૦ હજાર જેટલી ડુપ્લિકેટ કોપીઓ અલગ-અલગ વેબસાઇટ પર મૂકવામાં આવે છે. બને એટલી વેબસાઇટ પરથી જે-તે લિન્કને ૨૪ કલાકમાં ડિએક્ટિવેટ કરી દઈએ છીએ. ફિલ્મ રિલિઝ થયાના ૩૦ દિવસ બાદ અથવા એનાથી વધુ સમયમાં જો કોઇ વેબસાઇટ પર લિન્ક અપલોડ થાય તો એ લિન્કને ડિએક્ટિવેટ કરવા વધુ સમય લાગતો હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો લિન્ક એક્ટિવ થયાની ૩૦ મિનિટમાં જ ડિએક્ટિવેટ કરી દેવાઈ છે.’
અમારી પાસે એવા ડેટાબેઝ છે જે કી-વર્ડને સતત ટ્રેક કરતા રહે છે એમ જણાવતાં મનને કહ્યું હતું કે ‘જ્યારે કોઈ પણ ઓથોરાઇઝ્ડ યુઝર અથવા વેબસાઇટ દ્વારા તે કી-વર્ડ નાખવામાં આવે છે ત્યારે અમારી ટીમને તેની તમામ ડિટેઇલ્સ મળી જાય છે. આ સમગ્ર પ્રક્રિયા માટે અમે સિક્યોરિટી કમાન્ડ સેન્ટર ઊભું કર્યું છે. આ સિસ્ટમના કારણે જે વ્યક્તિ ફિલ્મની પાઇરસી કરવાનો પ્રયત્ન કરે છે એ વ્યક્તિનું નામ અને વેબસાઇટ ફિલ્મમેકર સુધી પહોંચાડી દેવાય છે. અમારી સાથે ભારત સરકારનો ટેલિકોમ્યુનિકેશન વિભાગ પણ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલો હોય છે.’
મનન અને તેની ટીમ અત્યાર સુધી યાહુ ઇન્ડિયા, ગૂગલ ઇન્ડિયા, નોકિયા, બ્લેકબેરી, ઇન્ડિયન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી), આર્મી, મહારાષ્ટ્ર પોલીસ, ગુજરાત પોલીસ, ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ), બેન્ક ઓફ બરોડા, આઇસીઆઇસીઆઇ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી), પેપ્સિકો, ટાટા, રિલાયન્સ, વોડાફોન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સાઇબર સિક્યોરિટી પૂરી પાડી છે.

સ્કૂલ ડ્રોપઆઉટ છે મનન

ગૂગલ અને માઇક્રોસોફ્ટ દ્વારા ભારતના ટોપ-પાંચ એથિકર હેકર્સમાં નામ નોંધાવનાર મનન પાસે કોઈ હાઇપ્રોફાઇલ ડિગ્રી નથી, પરંતુ તે માઇક્રોસોફ્ટ મોસ્ટ વેલ્યુએબલ પ્રોફેશનલ્સ તરીકે પુરસ્કૃત થયેલો છે. મનન એસએસસી ડ્રોપઆઉટ છે. ૧૭ વર્ષની વયથી મનન કમ્પ્યુટર્સના વિવિધ પ્રોગ્રામ શીખતો રહ્યો છે જેથી તેણે એથિકલ હેકિંગ અને સાઇબર સિક્યોરિટીમાં માસ્ટરી મેળવી લીધી છે.

આ ફિલ્મોને બચાવી પાઇરસીથી

મનનની ટીમે જે ફિલ્મોને પાઇરસીના દૂષણથી બચાવી છે તેમાં ઐયારી, યમલા પગલા દિવાના ફિર સે, નમસ્તે ઇંગ્લેન્ડ, ધી એક્સિડેન્શિયલ પ્રાઇમ મિનિસ્ટર, બાગી-યુ, મર્ક્યૂરી, લવયાત્રી, ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ, ટોટલ ધમાલનો સમાવેશ થાય છે. જ્યારે આગામી ફિલ્મોમાં મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર, બદલાનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter