નવી દિલ્હીઃ ટૂલકિટ કેસમાં ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રમણસિંહ અને પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાની સામે છત્તીસગઢમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના નામે બનાવટી લેટરહેડ શેર કરવા અને તૈયાર કરવાના તેમના પર આરોપો લગાવવામાં આવ્યા છે.
છત્તીસગઢ એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, સંબિત પાત્રા, ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી બી એલ સંતોષ સામે ફરિયાદ કરવાની દિલ્હી પોલીસ સમક્ષ માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની છાપ ખરાબ કરવા માગે છે. બીજી તરફ કોંગ્રેસે વળતો જવાબ આપતા કહ્યું હતું કે ફેક ટૂલકિટના આધારે ભાજપ આ આરોપો લગાવી રહી છે. જેને પગલે ભાજપની સામે અહીંની સિવિલ લાઇન પોલીસ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી છે.