ફેબ્રુઆરીના અંત સુધીમાં લોકપાલની નિમણૂક કરો: સુપ્રીમનું અલ્ટિમેટમ

Friday 18th January 2019 02:32 EST
 

નવી દિલ્હીઃ ગત લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપે લોકપાલની નિમણૂક કરવા પર પણ ભાર મૂક્યો હતો. જોકે સરકારનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે છતાં સરકાર લોકપાલની પસંદગી નથી કરી શકી જેને પગલે ભ્રષ્ટાચાર નાબૂદીના સરકારના દાવા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે લોકપાલ ભ્રષ્ટાચાર નાબૂદી માટે અતિમહત્ત્વના માનવામાં આવે છે. આ સ્થિતિ વચ્ચે હવે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને સુપ્રીમ કોર્ટે લોકપાલના નામની ભલામણ ફેબ્રુઆરીના અંત સુધીમાં કરી દેવા માટે પસંદગી સમિતિને આદેશ આપ્યો છે.

દેશભરમાં લોકપાલ માટે આંદોલન થયા હતા જોકે તેમ છતાં આટલા વર્ષો ગયા છતાં તેની નિમણૂક ન થતાં સુપ્રીમે લાલ આંખ કરી છે. સુપ્રીમે પસંદગી સમિતિને આદેશ આપ્યો છે કે કોઇ પણ સંજોગોમાં લોકપાલની પસંદગી કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે લોકપાલની પસંદગી સમિતિને યોગ્ય માળખું ઘડી આપવામાં આવે અને જે પણ લોકોની જરૂર પડે તેને પણ આ સમિતિને આપવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત એલ. એન. રાવ અને એસ. કે. કૌલના સમાવેશ વાળી સુપ્રીમની બેંચે જણાવ્યું હતું કે હવે આ મામલે કોર્ટ આગામી સાતમી માર્ચે વધુ સુનાવણી હાથ ધરશે.

સરકાર વતી દલીલ કરી રહેલા એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે એવો દાવો કર્યો હતો કે લોકપાલની પસંદગી કરવામાં કેટલીક મુશ્કેલીઓ સામે આવી રહી છે જેમ કે પસંદગી માટેની પ્રક્રિયાને પહોંચી વળવા માટે યોગ્ય માળખું તૈયાર નથી. આ સાથે પૂરતા માણસો પણ નથી. આ પહેલા ચાર જાન્યુઆરીએ લોકપાલ નિમણૂક માટે અત્યાર સુધી શું શું પગલા લેવામાં આવ્યા તેનો સરકાર પાસેથી જવાબ માગ્યો હતો.

એક એનજીઓ વતી દલીલ કરતી વેળાએ વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે સરકારે લોકપાલ નિમણૂક માટે કોઇ જ પગલાં નથી લીધાં, એટલું જ નહીં પસંદગી સમિતિના સભ્યો કોણ છે તેની માહિતી પણ વેબસાઇટ કે અન્ય કોઇ રીતે જાહેર નથી કરી.

સરકારે અગાઉ પણ પોતાના બચાવમાં વિવિધ કારણો આપ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. આ પહેલા ગત વર્ષે જુલાઇ માસમાં સુપ્રીમ કોર્ટને એવી જાણ કરવામાં આવી હતી કે લોકપાલ પસંદગી સમિતિમાં કુલ સાત સભ્યોની પસંદગી કરવામાં આવે છે જેમાં ચેરપર્સન પાસે ભ્રષ્ટાચાર વિરોધી અનુભવો હોવા જરૂરી છે. બાદમાં સરકારે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ આઠ સભ્યોની એક કમિટીની રચના લોકપાલ પસંદગી માટે કરી હતી. જોકે હજુ સુધી કોઇ નિમણૂક નથી થઇ શકી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter