ફોક્સવેગનની સ્કેનિયાએ બસ કોન્ટ્રેક્ટ માટે ૭ રાજ્યોમાં લાંચ આપ્યાનો આરોપ

Saturday 20th March 2021 04:25 EDT
 
 

સ્ટોકહોમઃ સ્વિડનની ટ્રક અને બસ ઉત્પાદક કંપની સ્કેનિયાએ વર્ષ ૨૦૧૩-૨૦૧૬ વચ્ચે ભારતના ૭ અલગ અલગ રાજ્યોમાં બસના કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ ચૂકવી હોવાનો દાવો સ્વિડિશ ન્યૂઝ ચેનલ એસવીટી સહિત ૩ મીડિયા સંગઠનો દ્વારા કરાયો છે.
ફોક્સવેગન એજીની કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરતી ટ્રેટોન એસઇ અંતર્ગત કામ કરતા યુનિટે વર્ષ ૨૦૦૭માં ભારતમાં ઓપરેશન શરૂ કર્યાં હતાં અને વર્ષ ૨૦૧૧માં મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરી હતી. સ્કેનિયા કંપની દ્વારા વર્ષ ૨૦૧૭માં તપાસ શરૂ કરાઇ હતી જેમાં સિનિયર મેનેજમેન્ટ સહિતના કર્મચારીઓ દ્વારા આચરાયેલી ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં કથિત લાંચ, બિઝનેસ પાર્ટનર દ્વારા લાંચ અને ખોટી રજૂઆતોનો સમાવેશ થાય છે.
ત્યારથી બસનું વેચાણ બંધઃ કંપની
સ્કેનિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ત્યારથી કંપનીએ ભારતમાં બસનું વેચાણ બંધ કરી દીધું હતું અને ભારત ખાતે શરૂ કરાયેલી ફેક્ટરી પણ બંધ કરી દેવાઇ હતી. સીઇઓ હેનરિક હેનરિકસને જણાવ્યું હતું કે, અમે ભારતમાં બસોનું ઉત્પાદન કરવા માગતા હતા પરંતુ ત્યાં રહેલાં જોખમોને પારખી શક્યાં નહીં. ભારતમાં જે લોકોએ ગેરરીતિ આચરી છે તેઓ અત્યારે કંપની છોડીને ચાલ્યા ગયા છે. તેમાં સંકળાયેલા તમામ બિઝનેસ પાર્ટનરોએ તેમના કોન્ટ્રાક્ટ રદ કરી દીધા છે.
‘અજાણ્યા’ કેન્દ્રીય પ્રધાનને પણ લાંચ
એસવીટીના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે એક ‘અજાણ્યા’ ભારતીય મંત્રીને પણ લાંચ ચૂકવવામાં આવી હતી. રિપોર્ટમાં આરોપ મુકાયો છે કે ભારતની એક માઇનિંગ કંપની સાથેના ૧૧.૮ મિલિયન ડોલરના સોદામાં સ્કેનિયાએ ટ્રકના ચેસીસ નંબર અને લાઇસન્સ પ્લેટ બદલી નાખીને ટ્રકના મોડેલોમાં બદલાવ કરી દીધો હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે આ તપાસમાં પોલીસને સાંકળી નથી. કંપનીના બિઝનેસ કોડના ઉલ્લંઘન અંગેના પૂરતા પુરાવા મળ્યા પછી પગલાં લેવાશે. કોર્ટમાં કેસ ચલાવી શકાય તેટલા સજ્જડ પુરાવા મળ્યા નથી.
કેન્દ્રીય પ્રધાન સામે મૂકાયેલા કથિત આરોપો
• સ્કેનિયા કંપનીએ કેન્દ્રીય મંત્રીના પુત્રો સાથે ગાઢ સંબંધ ધરાવતી કંપનીને લક્ઝરી બસો પૂરી પાડી હતી. • કેન્દ્રીય મંત્રીની પુત્રીના લગ્નમાં સ્કેનિયાની બસો વપરાઇ અને તેના નાણા પર ચૂકવાયાં નહોતાં • કેન્દ્રીય મંત્રીનાં દબાણથી નાગપુર મ્યુ. કોર્પોરેશને સ્કેનિયાની બસો ખરીદી
કંપનીઓને ૭૭,૩૦૦ ડોલરની લાંચ ચૂકવાયાનો દાવો
જર્મન પબ્લિક બ્રોડકાસ્ટર ઝેડડીએફે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારતમાં રાજ્યોની બસ કંપનીઓના અધિકારીઓને કથિત રીતે ૬૫,૦૦૦ યૂરો એટલે કે ૭૭,૩૦૦ અમેરિકન ડોલરની લાંચ આપવામાં આવી હતી. લાંચ આપવાના આ પ્રકારના ઓછામાં ઓછા ૧૯ કેસ કંપનીના ઇન્ટરનલ રિપોર્ટમાં સામે આવ્યાં છે. સ્કેનિયાએ લાંચ અપાઇ હોય તેવા સંખ્યાબંધ બનાવો શોધી કાઢયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter