મુંબઇઃ વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્ચ્યુન’ મેગેઝિન દ્વારા તૈયાર થયેલા ‘૪૦ અંડર ૪૦’ લિસ્ટમાં આ વખતે અંબાણી પરિવારના પ્રતિભાશાળી જોડિયા સંતાનો - ઇશા અને આકાશ અંબાણીના નામ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભારતના ટેલિકોમ સેક્ટરમાં આગમન સાથે જ છવાઇ ગયેલી જિયો કંપનીના વિચારબીજથી માંડીને તેને સફળતાના પંથે દોરી જવામાં બહેન-ભાઇની જોડી ઇશા અને આકાશ મુકેશ અંબાણીનું ઉલ્લેખનીય યોગદાન છે. હાલ તેઓ રિલાયન્સ જિયો બોર્ડમાં ડાયરેક્ટર્સ તરીકે ફરજ બજાવે છે.
૪૦ વર્ષથી નાની વયના પ્રતિભાશાળી યુવાઓની આ યાદીમાં ઇશા અને આકાશ અંબાણી ઉપરાંત એજ્યકેશન ટેક સ્ટાર્ટઅપ બૈજુના સંસ્થાપક બૈજુ રવીન્દ્ર, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પૂનાવાલા અને ભારતની અગ્રણી એજ્યુકેશન ટેક્નોલોજી કંપનીના સહસ્થાપક બૈજુ રવીન્દ્રનનો સમાવેશ કરાયો છે.
‘ફોર્ચ્યુન’ના જણાવ્યા પ્રમાણે ઇશા અંબાણી અને આકાશ અંબાણીએ રિલાયન્સની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝની કંપની જિયો પ્રગતિમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. બન્નેએ સોશિયલ મીડિયા કંપની ફેસબુક સાથે ૯.૯૯ ટકાની ભાગીદારી માટે ૫.૭ બિલિયન ડોલરની ડીલને પણ સફળતાપૂર્વક પૂરી કરી છે.
જિયો બોર્ડના મેમ્બર તરીકે ફેસબુક સાથે ૯.૯૯ ટકા હિસ્સા માટે ૫.૭ બિલિયન ડોલરની મેગાડીલ ઉપરાંત ગૂગલ, ક્વાલકોમ અને ઇન્ટેલ જેવી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓના મૂડીરોકાણ મેળવવામાં બંને ડિરેક્ટર્સ ચાવીરૂપ ભૂમિકા નિભાવી હતી.
બૈજુ રવીન્દ્રન અંગે ‘ફોર્ચ્યુન’એ લખ્યું છેઃ બૈજુએ દુનિયાને જણાવ્યું કે કેવી રીતે મોટા પાયે એક સફળ ઓનલાઇન એજ્યુકેશન કંપનીનું નિર્માણ કરી શકાય છે. બૈજુ આજે ભારતની સૌથી મોટી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની છે. લોકડાઉનમાં આ એપ દ્વારા લાખો વિદ્યાર્થી મહત્વપૂર્ણ પરીક્ષાઓ માટે તૈયારી અને અભ્યાસ કરી રહ્યા છે.
૨૦૧૧માં શરૂ થયેલી બૈજુ કંપની અત્યાર સુધીમાં ૧ અબજ ડોલરથી વધુ ફંડ ભેગું કરી ચૂકી છે અને ૧૦ અબજ ડોલરથી વધુની કંપની બની ચૂકી છે. ફોર્ચ્યૂનના ‘૪૦ અંડર ૪૦ લિસ્ટમાં’ આ વખતે શાઓમી ઇન્ડિયાના મનુ કુમાર જૈનનું નામ પણ સામેલ કરાયું છે. શાઓમીએ ૨૦૧૪માં તેમના ભારતીય વેપારને સંભાળવા માટે મનું જૈનની નિમણુક કરી હતી.
પૂનાવાલા અંગે ફોર્ચ્યુને કહ્યું હતું કે, પુનાવાલા વિશ્વની સૌથી મોટી વેક્સિન બનાવનારી કંપનીના વડા છે. વૈશ્વિક જાહેર સ્વાસ્થ્યની સંભાળ લેવામાં, સિરમ ઇન્સ્ટિસ્યૂટની સંભાળ લેવામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ)એ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
સામાન્ય વર્ષોમાં પણ આ કંપની યુનિસેફ અને ગાવી જેવી સંસ્થાઓ દ્વારા ઓછી અથવા મધ્યમ આવક ધરાવતાં દેશોમાં હાથ ધરાવામાં આવતાં રસીકરણના કાર્યક્રમોમાં ૧.૫ બિલિયન વેક્સિન ડોઝ ઉપલબ્ધ કરાવે છે.