ફ્લાઇટમાં બે કલાકથી વધુ વિલંબ? એરલાઇન્સે રિફ્રેશમેન્ટ આપવું પડશે

Thursday 27th November 2014 10:46 EST
 

અમદાવાદઃ શિયાળામાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી વખત ફ્લાઇટને બહુ વિલંબનો સામનો કરવો પડતો હોય છે. આમાં પણ એક વાર ચેક-ઇન થઇ ગયા બાદ ધુમ્મસને કારણે વિલંબની જાહેરાત કરાય ત્યારે તો મુસાફરોને ફ્લાઇટમાં જ કલાકોના કલાકો બેસી રહેવાની હાલાકી ભોગવવી પડતી હોય છે. વિમાનપ્રવાસીઓની આ હાલાકી દૂર કરવા માટે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા એક નિર્દેશ જારી થયો છે. જે અંતર્ગત હવે બે કલાકથી વધારે વિલંબ થયો હોય તે સ્થિતિમાં મુસાફરોને ટર્મિનલમાં બેસવા દેવાશે.

ડીજીસીએના આ નિર્દેશથી આ વખતે શિયાળામાં મુસાફરોને કલાકોના કલાકો ફ્લાઇટમાં બેસવાની હાલાકીમાંથી મુક્તિ મળશે. ગયા વર્ષે શિયાળા દરમિયાન મુસાફરો પાસેથી છાશવારે એવી ફરિયાદો મળી હતી કે ધુમ્મસને કારણે વિલંબની સ્થિતિમાં તેમને કલાકોના કલાકો એરલાઇન્સ દ્વારા ફ્લાઇટમાં 'બંધક'ની જેમ બેસાડી રખાયા હતા. કેટલાક કિસ્સામાં તો મુસાફરોને છ કલાકથી વધુ ફ્લાઇટમાં જ બેસી રહેવું પડયું હતું. આ ફરિયાદ બાદ ડીજીસીએ દ્વારા આ વખતે નક્કર પગલા લેવાયા છે.

ડીજીસીએ દ્વારા જારી પરિપત્રમાં જણાવાયું છે કે ધુમ્મસ કે અન્ય કોઇ કારણસર લો વિઝિબિલિટિ હોય અને ફ્લાઇટના ઉપડવા અંગે સમયની અનિશ્ચિતતા સર્જાય તે સ્થિતિમાં એરલાઇન્સે તાકીદના ધોરણે એરપોર્ટ ઓપરેટર - સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરીને મુસાફરોને ટર્મિનલમાં બેસવા માટેની મંજૂરી આપવી પડશે. ફ્લાઇટ ઉપડે નહીં ત્યાં સુધી મુસાફરો માટે ખાણીપીણીની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત સમયાંતરે ફ્લાઇટ ક્યારે ઉપડી શકે છે તેની સ્થિતિની જાણ કરતા રહેવું જરૂરી બનાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter