નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચારજંગ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ રાજ્યોની પ્રજાનો રાજકીય મિજાજ જાણવા માટે તાજેતરમાં ઓપિનિયન પોલ હાથ ધરાયા હતા. એબીપી ન્યૂઝ - સીવોટરના ઓપિનિયન પોલ અનુસાર પશ્ચિમ બંગાલમાં તૃણમૂલ કોંગ્રેસ ફરી સરકાર બનાવીને હેટ્રિક કરી શકે છે. આ પક્ષની બેઠકોમાં થોડો ઘટાડો ચોક્કસ થશે, મમતા બેનર્જી સતત બીજી ટર્મમાં રાજ્યના મુખ્ય પ્રધાન બની શકે છે.
સર્વે અનુસાર, આસામમાં વધુ એક વખત ભાજપ સરકાર રચી શકે છે. બીજી તરફ પુડ્ડુચેરીમાં ભાજપને પ્રથમ વખત સત્તા હાંસલ થઈ શકે છે. આ સર્વે અનુસાર તમિલનાડુમાં આ વખતે સત્તા પરિવર્તન થઈ શકે છે. કેરળમાં વધુ એક વખત ડાબેરી પક્ષોની સરકાર રચાય તેવી શક્યતા જણાઈ રહી છે. ઉત્તરાખંડમાં ભાજપની સરકારે ચાર વર્ષ પુરા કરતા એબીપી - સી વોટરે આ રાજ્યમાં સર્વે કર્યો હતો. જેમાં બહાર આવ્યું છે કે, જો આ ઉત્તરાખંડમાં અત્યારે ચૂંટણી થાય તો ભાજપને નુકસાન થવાની શક્યતા છે.
પાંચ રાજ્યોમાં સર્વેના પરિણામો પર નજર કરીએ તો, ૨૯૪ બેઠકોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસને ૧૪૮થી ૧૬૪ જેટલી બેઠકો મળી શકે છે. ગઈ ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતનારા ભાજપને ફાયદો થતો જણાય છે. જોકે સત્તા પર આવવાની એની આકાંક્ષા પાર પડે એમ જણાતું નથી. ભાજપને અહીં ૯૨થી ૧૦૮ બેઠકો મળી શકે છે.
આ સર્વે અનુસાર આસામમાં ૧૨૬ બેઠકોવાળી વિધાનસભામાં ભાજપ ૬૮થી ૭૬ બેઠકો સાથે સરકાર રચી શકે છે. તામિલનાડુમાં એઆઈએડીએમકે-ભાજપ ગઠબંધનને હારનો સામનો કરવો પડી શકે છે. અહીં કુલ ૨૩૪ બેઠકોમાંથી ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન ૧૫૪-૧૬૨ જેટલી બેઠકો જીતે એવી શક્યતા છે. કેરળમાં ૧૪૦ બેઠકોવાળી વિધાનસભામાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ ૮૩થી ૯૧ બેઠકો સાથે જીત હાંસલ કરી શકે છે. પુડ્ડુચેરીમાં ભાજપ ૧૭થી ૨૧ બેઠક મેળવી શકે છે.