બંધ એન્જિન અને વગર ડ્રાઈવરે ટ્રેન ૧૫ કિમી ચાલી

Thursday 30th June 2016 08:50 EDT
 
 

મુંબઈઃ બંધ એન્જિને અને ડ્રાઈવર વગર ટ્રેન ચાલવા માંડે તો આપણા દેશમાં કેટલાક અંધશ્રદ્ધાળુઓ તો એવો જ અંદાજ લગાવે કે ચોક્કસ ટ્રેનની નીચે કમોતે કોઈ કપાઈ ગયું હશે અને એના ભૂતે ટ્રેન ખેંચી હશે! ખેર આ તો મજાક થઈ, પણ તાજેતરમાં મડગાંવ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના પેસેન્જર્સ દુર્ઘટનાનો શિકાર થતા બચી ગયા હતા. આ ટ્રેન ઢાળ પર હતી અને ડ્રાઈવર વગર બંધ એન્જિને લગભગ ૧૫ કિમી સુધી ચાલી ગઈ હતી. જેવું ચઢાણ આવ્યું કે ટ્રેન ધીમી પડી અને ગાર્ડ રૂમમાં બેઠેલા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને એન્જિન પર ચઢીને ટ્રેન પર કાબૂ મેળવ્યો. આ ઘટના રત્નાગિરી સ્ટેશન પાસે બની હતી, રેલવેએ આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.

મોટી દુર્ઘટના ટળી

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, રત્નાગિરી સ્ટેશનની પાસે સોમવારે ટ્રેનના એન્જિનમાં કોઈ ખામી આવી હતી. સાંજે સાડા પાંચે તેને એક ટનલ પાસે ઊભી રખાઈ હતી. અમુક ટેક્નિશિયન એન્જિનની ખામીને દૂર કરવા કામ કરતા હતા ત્યારે ઢાળને કારણે ટ્રેન ધીરે-ધીરે ચાલવા લાગી હતી. આ ઘટનાને નજરે જોનારા કહે છે કે, આ સમયે રાજધાની એક્સપ્રેસનો ડ્રાઈવર ગાર્ડની કેબિનમાં હતો. સારું થયું કે અમુક અંતરે ચઢાણ હતું તેથી ટ્રેનની ગતિ ધીમી થઈ હતી. આ જ સમયે ડ્રાઈવરે ટ્રેનને કંટ્રોલમાં કરી નહીંતર એક મોટી દુર્ઘટના થઈ હોત.

ડ્રાઈવર વગર ટ્રેન ચાલી હોવાની વાત ખોટી

આ ઘટના પછી કોંકણ રેલવેના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર સંજય ગુપ્તાએ ‘ડ્રાઈવર વગર’ ટ્રેન ચાલવાના અહેવાલને ખોટા ગણાવ્યા હતા. જોકે તેમણે કહ્યું હતું કે, ટ્રેન અમુક સમય માટે ઢાળ પર ચાલી હતી એ મામલે તપાસના આદેશ જારી કર્યા છે. રાજધાનીના એન્જિનની વેક્યુમ બ્રેક ખરાબ થઈ ગઈ હતી તેથી ટ્રેનને ત્યાં રોકી રખાઈ હતી. ટ્રેનના એન્જિનમાં ખરાબી હોવાથી બીજું એન્જિન ત્યાં પહોંચાડવામાં આવ્યું અને તે એન્જિનથી ટ્રેનને ચિપલુન સ્ટેશન લાવવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter