બજેટ ૨૦૨૧-૨૨માં નાણા પ્રધાનનું સમતોલન

Thursday 04th February 2021 03:49 EST
 
 

ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કોરોનાના કપરા કાળમાં રજૂ કરેલા વર્ષ 2021-22ના બજેટમાં વિવિધ ક્ષેત્રે સમતુલા જાળવી છે. જેમ કે...

• વીમા ક્ષેત્રમાં ૭૪ ટકા એફડીઆઈઃ સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય રૂ. ૧.૭૫ લાખ કરોડ રાખ્યું છે. વીમા કંપનીઓમાં એફડીઆઈની મર્યાદા ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા રખાઇ છે. સરકાર એલઆઈસીનો આઈપીઓ લાવશે અને આ સાથે બે સરકારી બેંક અને એક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીનું પણ ડિસઈન્વેસ્ટમેન્ટ કરશે.
• હવે નવી વાહન સ્ક્રેપ પોલિસીઃ ૧ એપ્રિલથી નવી સ્ક્રેપ પોલિસી લાગુ થશે. ખાનગી વાહનોની એક્સપાઈરી ડેટ ૨૦ વર્ષ અને કોમર્શિયલ વાહનોની ૧૫ વર્ષ રહેશે. સ્ક્રેપ સેન્ટરથી બજારમાં રૂ. ૧૦ હજાર કરોડ અને ૫૦ હજાર રોજગારી સર્જાશે. પહેલા વર્ષે જ ૧.૮ કરોડ વાહન બહાર થઈ શકે છે.
• પીપીપી મોડ પર સૈનિક સ્કૂલ ખૂલશેઃ ૧૫ હજાર સ્કૂલોની ગુણવત્તા વધારાશે. ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે ૧૦૦ સૈનિક સ્કૂલ ખૂલશે. ૯ શહેરમાં હાયર એજ્યુકેશન ક્લસ્ટર બનાવાશે. સંશોધનને પ્રોત્સાહન આપવા નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ બનશે. તેના માટે રૂ. ૫૦ હજાર કરોડ ફાળવાશે.
• ૧.૧૮ લાખ કરોડ ટ્રાન્સપોર્ટ માટેઃ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર રૂ. ૧૧,૦૦૦ કરોડ ખર્ચ કરાશે. ૨૭ શહેરમાં ૧૦૧૬ કિ.મી. મેટ્રો લાઈન બિછાવાશે. ખાનગી ક્ષેત્રમાંથી ૩૦ હજાર બસ લઈને ચલાવાશે. માર્ચ ૨૦૨૨ સુધી ૧૧ હજાર કિ.મી. લાંબા હાઈવે કોરિડોરનું કામ પૂરું કરાશે. આ ઉપરાંત ઈકોનોમિક કોરિડોર બનશે.
• ઈન્ફ્રા માટે ઝીરો કૂપન બોન્ડઃ ઈન્ફ્રા સેક્ટરમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા ઝીરો કૂપન બોન્ડ લવાશે. ૨૦૧૯માં લોન્ચ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન (એનઆઈપી)ના વિસ્તરણ હેઠળ હવે ૬૮૩૫થી ૭૪૦૦ પ્રોજેક્ટ નક્કી કરાયા છે. ડેવલપમેન્ટ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન (ડીએફઆઈ) માટે રૂ. ૨૦ હજાર કરોડ જારી કરાશે.
• ફૂડ સબસિડી બમણી, કેરોસીન પર ખતમઃ સરકારે પહેલી વાર કેરોસીન પર સબસિડી ખતમ કરી છે. સાથે એલપીજી પર સબસિડી ૬૨.૨ ટકા ઘટાડી છે. પરંતુ ખાદ્ય સબસિડીમાં ૧૧૦ ટકા વધારો કરાયો છે. એટલું જ નહીં, ખેડૂતોને ધ્યાનમાં રાખીને ખાદ્ય-યુરિયા માટે સબસિડીમાં ૧૧.૪ ટકા વધારાઈ છે.
• નાની કંપનીની વ્યાખ્યા પણ બદલાઈઃ નાની કંપનીઓની વ્યાખ્યા બદલાઈ છે. ૨ કરોડના ટર્નઓવરની મર્યાદા વધારીને ૨૦ કરોડ રૂપિયા કરાઈ છે. ૫૦ લાખ રૂપિયાની પેઇડ-અપ કેપિટલ મર્યાદા ૨ કરોડ કરાઇ છે. એકમાત્ર ડિરેક્ટર ધરાવતી કંપની હવે કોઈ મૂડી કે ટર્નઓવર વિના બનાવી શકાશે.
• ઘરેલુ ટેક્સ્ટાઈલ ક્ષેત્રને પ્રોત્સાહનઃ સરકારે આગામી ત્રણ વર્ષમાં ૭ મોટા ટેક્સ્ટાઈલ પાર્ક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેનો હેતુ કાપડ ક્ષેત્રે મોટું રોકાણ લાવવાનો છે. આ પાર્ક એક હજાર એકરથી વધુ જમીન પર બનશે. રો કોટન પર ઈમ્પોર્ટ ડ્યૂટી ૦ થી ૫.૨૫ ટકા અને કોટન વેસ્ટ પર ૦ થી ૧૦ ટકા કરી દેવાઈ છે. રો સિલ્ક, સિલ્ક યાર્ન અને સિલ્ક વેસ્ટ પર ઈમ્પોર્ટ ડ્યૂટી ૧૦થી વધારીને ૧૫ ટકા કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter