મહારાજગંજ/દેવરિયાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી માર્ચે ઉત્તર પ્રદેશના છઠ્ઠા તબક્કાનાં મતદાન માટે મહારાજગંજ અને દેવરિયામાં રેલીને સંબોધન કર્યું હતું. મોદીએ રાહુલનાં સામાન્ય જ્ઞાન અને અખિલેશનાં કામ નહીં પણ કારનામા બોલે છે તે મુદ્દા પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લેતાં તેમણે કહ્યું હતું કે, પોટેટો ચિપ્સના કારખાનાવાળાને ખબર નથી કે નારિયેળમાંથી પાણી નીકળે છે જ્યૂસ નહીં.
પોતાની રેલીને સંબોધન દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૮મી ફેબ્રુઆરીએ મણિપુરમાં એવું કહ્યું હતું કે હું એવું ઇચ્છું છું કે, જો કોઈ લંડનમાં નારિયેળ જ્યૂસ માગે તો તેના પર મેડ ઇન મણિપુર લખ્યું હોય. આમ મોદીએ રાહુલનાં સામાન્ય જ્ઞાન પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, નારિયેળ મણિપુરમાં નહીં કેરળમાં થાય છે અને તેમાં જ્યૂસ નહીં પાણી હોય છે.
હાર્વર્ડના નિષ્ણાતો ખોટા ઠર્યા
મોદીએ નોટબંધી અંગે નોબેલ પ્રાઇઝ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને ટાર્ગેટ બનાવ્યા હતા. સેને નોટબંધીનો વિરોધ કરીને તેનાથી જીડીપી ઘટશે અને આર્થિક વિકાસ મંદ પડશે તેમ કહ્યું હતું. મોદીએ તેના જવાબમાં કહ્યું કે, લોકો એવું કહેતા હતા કે નોટબંધીથી ઉદ્યોગો બંધ પડી ગયા છે. દેશનો વિકાસ પાછળ ધકેલાઈ ગયો છે. જીડીપીના છેલ્લા ત્રિમાસિક આંકડા મુજબ નોટબંધીની જીડીપી પર નજીવી અસર જ થઈ છે. આમ હાર્વર્ડનાં લોકો અને હાર્ડવર્ક કરનારાના વિચારો વચ્ચેનો ભેદ જીડીપીમાં દેખાઈ આવ્યો છે. હાર્ડવર્ક કરનારા ખેડૂતો, મજૂરો અને મહેનતકશ લોકોએ હાર્ડવર્કવાળામાં કેટલો દમ છે તે દેખાડી દીધું છે. નોટબંધીથી વિકાસની ગતિને અસર થવા દીધી નથી. વિકાસદરની ટીકા કરનારાઓને તેમણે જવાબ આપી દીધો છે.