અલ્લાહાબાદઃ બદ્રિકાશ્રમના જ્યોતિષપીઠ પર શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી અને વાસુદેવાનંદ સરસ્વતી વચ્ચેના વિવાદ પર અલ્હાબાદ હાઇ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો છે. ૨૮ વર્ષ બાદ આવેલા ચુકાદામાં કોર્ટે બંનેને શંકરાચાર્ય માનવાનો ઇનકાર કરી દીધો છે. પીઠના નવા શંકરાચાર્ય ત્રણ મહિનામાં પસંદ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને કહ્યું કે ભલી-ભોળી જનતાને છેતરનારા બનાવટી બાબાઓ પર અંકુશ લગાવે. બનાવટી શંકરાચાર્યો અને મઠાધીશો પર અંકુશ લગાવો અને મઠોની સંપત્તિનું ઓડિટ કરાવો. જસ્ટિસ સુધીર અગ્રવાલ અને કે. જે. ઠાકુરની બેન્ચે સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીની અપીલ આંશિક રીતે સ્વીકાર કરતા આદેશ આપ્યો છે. કોર્ટે સ્વઘોષિત શંકરાચાર્યો પર કટાક્ષ કરતા જણાવ્યું કે સ્વામી સ્વરૂપાનંદ અને સ્વામી વાસુદેવાનંદને યોગ્ય શંકરાચાર્ય માનવામાં આવ્યા નથી. હાઇ કોર્ટે મામલામાં ૩જી જાન્યુઆરીએ ચુકાદો અનામત રાખ્યો હતો. નવી નિયુક્તિ સુધી સ્વામી સ્વરૂપાનંદ જ્યોતિષપીઠનું કામ સંભાળશે.

