બરફબાબા અમરનાથના દર્શનનો પ્રારંભ

Saturday 02nd July 2016 08:22 EDT
 
 

નવીદિલ્હીઃ ભગવાન શિવના ભક્તો દર વર્ષે બાબા અમરનાથની કપરી યાત્રા કરીને બરફબાબાનાં દર્શન કરવા આતુર હોય છે. જમ્મુ-કાશ્મીરમાં આવેલાં શિવનાં આ ધામનો પ્રવાસ ભક્તજનો માટે મુશ્કેલ અને રોમાંચથી ભરેલો છે. આ વર્ષે બીજી જુલાઈથી શરૂ થયેલી અમરનાથયાત્રા ૪૮ દિવસ સુધી એટલે કે ૧૮ ઓગસ્ટ સુધી ચાલશે.

બરફબાબાની ગુફા

અમરનાથની ગુફા દક્ષિણ કાશ્મીરમાં હિમાલયની પર્વતમાળાઓમાં આવેલી છે. આ સ્થળ શ્રીનગરથી ૧૪૧ કિ.મી. દૂર આવેલું છે. આ ગુફા ૩,૮૮૮ મીટર એટલે કે ૧૨૭૫૬ ફૂટની ઊંચાઈએ છે. જે ૧૬૦ ફૂટ લાંબી અને ૧૦૦ ફૂટ પહોળી છે. તેની ઊંચાઈ ઘણી વધારે છે. યાત્રાનું સંચાલન અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જેના અધ્યક્ષ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હોય છે. યાત્રા દરમિયાન લોકોને રહેવા માટે બાલતાલ અને પહેલગાંવ ખાતે કેમ્પ બને છે ત્યાં યાત્રાળુઓ વિશ્રામ કરે છે. બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિ.મી દૂર આવેલી છે. જયારે પહેલગાંવથી ૫૧ કિ.મી. દૂર છે.

બરફબાબાનું રહસ્ય

એપ્રિલ ૨૦૧૬મા એવું જાહેર કરાયું હતું કે આ વર્ષે બરફનાં શિવલિંગનો આકાર મોટો છે. જોકે મે મહિનામાં એવું જાહેર કરાયું હતું કે ગયા વર્ષ કરતાં આ વખતે શિવલિંગનો આકાર નાનો રહેશે. ગુફાની છતમાંથી જે પાણી ટપકે છે તેમાંથી બરફનું શિવલિંગ બને છે. બરફનું શિવલિંગ સામાન્ય રીતે ૧૨થી ૧૮ ફૂટનું હોય છે. ક્યારેક તે ૨૨ ફૂટની ઊંચાઈ ધારણ કરે છે. સામાન્ય રીતે પાણીને જામવા અને બરફ બનવા માટે શૂન્ય ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. પણ દર વર્ષે જૂન-જુલાઈમા યોજાતી અમરનાથ યાત્રા વખતે આટલું ઓછું તાપમાન હોતું નથી. આથી વૈજ્ઞાનિકો બરફમાંથી બનતાં શિવલિંગને અચરજ ગણે છે.

અમરનાથ યાત્રાની ધાર્મિક માન્યતાઓ

ઘણા વર્ષો પહેલાં કાશ્મીરની ખીણમાં તમામ સ્થળે પાણી જમા થઈ ગયું હતું અને જળબંબાકારની સ્થિતિ હતી. તે વખતે કશ્યપ મુનિએ અનેક નદી ઝરણાઓ દ્વારા આ પાણીનો નિકાલ કર્યો હતો. જ્યારે પાણી ઓસરી ગયું ત્યારે ભૃગુ ઋષિએ ભગવાન અમરનાથના દર્શન કર્યાં હતાં. આ પછી તે કાયમ માટે ભગવાન શિવનું ધામ બની ગયું અને સમય જતાં ત્યાં યાત્રાળુઓ દર્શન કરવા આવવા લાગ્યાં. બીજી વાત એવી છે કે બુટા મલિક નામનો એક ભરવાડ એક દિવસ તેના ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતાં ઘણા દૂર ચાલ્યો ગયો હતો. જંગલમાં તેને એક સાધુ મળ્યા જેણે તેને કોલસા ભરેલી કાવડી આપી હતી. ભરવાડે ઘરે જઈને જોયું તેમાંથી સોનું નીકળ્યું હતું. આ પછી તે સાધુનો આભાર માનવા પાછો તે જગ્યાએ ગયો ત્યારે સાધુની જગ્યાએ ત્યાં ગુફા અને શિવલિંગ જોયાં હતાં. ત્રીજી લોકવાયકા એવી છે કે ભગવાન શિવજીએ અહીં તેમની પત્ની દેવી પાર્વતીને અમરત્વનો મંત્ર સંભળાવ્યો હતો. એવું મનાય છે કે ભગવાન શિવ આ ગુફામાં પ્રગટ થાય છે.

અન્ય માન્યતાઓ

પુરાણોમાં એવું કહેવાયું છે કે અમરનાથના દર્શન કાશીનાં દર્શનથી ૧૦ ગણા અને પ્રયાગના દર્શનથી ૧૦૦ ગણા તેમજ નૈમિષારણ્યથી ૧૦૦૦ ગણાં ફળદાયી છે. એવું કહેવાય છે કે રક્ષાબંધનને દિવસે સ્વયં ભગવાન ગુફામાં પધારે છે. આ દિવસે છડી મુબારકને ગુફામાં બનેલા શિવલિંગ પાસે સ્થાપિત કરાય છે. બરફબાબાનાં દર્શન કરવાથી માનવીને ૨૩ તીર્થો જેટલું પુણ્ય મળે છે.

શ્રદ્ધાળુઓની ભીડ

સામાન્ય રીતે આ યાત્રા ૨ મહિના ચાલતી હોય છે. આ વખતે ફક્ત ૪૮ દિવસ માટે તે ચાલુ રાખવામાં આવશે. આ વખતે બને રસ્તેથી ગુફા સુધી જવા માટે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો કરાયો છે. પહેલગાંવ અને બાલતાલથી રોજ ૭,૫૦૦-૭,૫૦૦ શ્રદ્ધાળુઓ ગુફા તરફ જવા દેવાશે. જે લોકો હેલિકોપ્ટરથી ગુફા સુધી જાય છે તેનો તેમાં સમાવેશ કરાયો નથી. ૨૦૧૫માં યાત્રા ૬૯ દિવસ સુધી ચાલી હતી. અને ૩,૫૨૭૭૧ શ્રદ્ધાળુઓએ બરફબાબાના દર્શન કર્યાં હતાં. ગયા વર્ષે જુદા જુદાં કારણોસર ૨૭ યાત્રાળુઓનાં મૃત્યુ થયાં હતાં. આ વખતે ૩,૫૦,૦૦૦થી વધુ યાત્રાળુઓઓએ બરફના શિવલિંગના દર્શન કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

સલામતીની વ્યવસ્થા

છેલ્લા કેટલાક વર્ષોથી ત્રાસવાદીઓની ધમકીને કારણે પ્રવાસીઓની સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. આ વખતે પણ અર્ધસૈનિક દળોના ૧૨,૫૦૦ જવાનો અને રાજ્ય પોલસીના ૮૦૦૦ જવાનોને યાત્રાના બંને માર્ગ પર હાજર રખાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter