બલિયાઃ ઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપના નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહ સહિત ચારેય આરોપીઓને પોલીસે હત્યાકાંડના આરોપમાં ઝડપી લીધા હતા. તેમની જાણકારી આપનારાને પોલીસે અગાઉ ૫૦ હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. ધીરેન્દ્ર પ્રતાપ પર આરોપ હતો કે તેણે જાહેરમાં એક બેઠકમાં પોલીસની હાજરીમાં જ ૪૬ વર્ષીય જય પ્રકાશ પાલની હત્યા કરી હતી. આ ઘટના બાદ સરકારે એસડીએમ ઉપરાંત ૧૧ પોલીસકર્મીઓ અને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ધીરેન્દ્ર પ્રતાપને ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા લખનઉથી જ્યારે અન્ય આરોપી સંતોષ યાદવ, અજયસિંહ, ધર્મેન્દ્રસિંહને બલિયામાંથી જ ઝડપી લેવાયા હતા. આ કેસમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૦ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે એફઆઇઆરમાં ૩૦થી પણ વધુ આરોપીઓના નામ છે, તેથી અન્યોની શોધખોળ ચાલી રહી છે.