બળજબરીથી ધર્માંતરણ દેશની સુરક્ષા માટે ખતરો

Wednesday 16th November 2022 05:31 EST
 
 

નવીદિલ્હી: દેશમાં જ્યારે ધર્મ પરિવર્તનનો મુદ્દો ચગ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ આ મામલે મહત્ત્વનું તારણ રજૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકોનું બળજબરીથી કરવામાં આવતું ધર્મ પરિવર્તન દેશની સુરક્ષા માટે જોખમી છે. એટલું જ નહીં, દબાણ કે લાલચથી કરાવવામાં આવતું ધર્મ પરિવર્તન પણ લોકોની ધાર્મિક સ્વતંત્રતા અને અંતરાત્માની સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે. કોર્ટે આ કેસમાં ભારત સરકાર પાસે 22 નવેમ્બર સુધીમાં જ જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી 28મી સુધી મુલતવી રાખી છે. કોર્ટે સરકારને કહ્યું છે કે બળજબરીથી ધર્માંતરણને રોકવા કાયદો ઘડવાની માંગના સંદર્ભમાં તે 22 નવેમ્બર સુધીમાં જવાબ રજૂ કરે.
કોર્ટે લોકોને લાલચ આપીને કરવામાં આવતા ધર્મ પરિવર્તનને રોકવા માટે જરૂરી પગલાં લેવા સોલિસીટર જનરલ તુષાર મહેતાને આદેશ આપ્યો છે. કોર્ટે સરકારને પૂછ્યછયું હતું કે આ મામલે તમે શું કહેવા માંગો છો? કેવાં પગલાં લેવા માંગો છો તે અમને જણાવો. કોર્ટે કહ્યું કે બંધારણમાં ધર્મ પરિવર્તનની છૂટ છે પણ લોકો પર બળજબરી કરીને ધર્મ પરિવર્તન કરવા પર પ્રતિબંધ છે. સરકાર આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કરે.
ધર્માંતરણ રોકવા નક્કર પ્રયાસો જરૂરી
કોર્ટે કહ્યું કે લોકો પર દબાણ કે લાલચ કે બળજબરી દ્વારા તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવે તે ગંભીર મુદ્દો છે. કેન્દ્ર સરકારે આ મામલે દરમિયાનગિરી કરવી જોઈએ અને ધર્મ પરિવર્તન રોકવા નક્કર તેમજ ગંભીર પ્રયાસો કરવા જોઈએ. કોર્ટે કહ્યું કે જો બળજબરીથી કરાવવામાં આવતા ધર્માંતરણને રોકવામાં નહીં આવે તો દેશમાં મુશ્કેલ સ્થિતિ સર્જાઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter