બળાત્કારીઓનો એક જ ઉપાય ‘મોબ લિંચિંગ’: ગલીથી સંસદ સુધી આક્રોશ

Wednesday 04th December 2019 06:12 EST
 
 

નવી દિલ્હીઃ તેલંગાણામાં ૨૫ વર્ષીય મહિલા તબીબ પર ચાર જણા દ્વારા ગેંગરેપ બાદ દુષ્કર્મીઓએ મહિલા તબીબને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. દિલ્હીમાં સંસદની અંદર તેમજ દેશમાં આક્રોશ અને વિરોધ સાથે ધરણા અને પ્રદર્શનો શરૂ થઇ ગયાં છે. ફરી મહિલા સુરક્ષા અંગે સરકારના દાવા પર સવાલો ઉઠ્યા છે.
હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર પર ગેંગરેપ બાદ દેશમાં દેખાવો
હૈદરાબાદમાં ૨૬ વર્ષીય વેટરનરી મહિલા ડોક્ટર સ્કૂટીનું ટાયર પંચર થવાથી ટોલ પ્લાઝા પાસે રોકાઈ હતી તે સમયે કેટલાક લોકોએ તેને મદદ કરવાની વાત કરી હતી. ટ્રકના ડ્રાઈવર અને ક્લિનર આ ડોક્ટર યુવતીને મદદ કરવાનું કહીને થોડે દૂર લઈ ગયા. તેમણે દુકાનો બંધ હોવાનું કહીને યુવતીને વધારે દૂર લઈ જવાનો પ્રયત્ન કર્યો. યુવતી તેમની વાત માની અને તેમની સાથે ગઈ. દારૂના નશામાં રહેલા ડ્રાઈવર, ક્લિનર અને તેમના સાથીઓએ યુવતીને સાત કલાક સુધી બંધક બનાવી અને તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. એ પછી તેઓ તેને વધુ ૩૦ કિમી દૂર લઈ ગયા અને જીવતી સળગાવી દીધી. સાઈબરાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો અને ડ્રાઈવર - ક્લિનર સહિત ચારની ધરપકડ પણ કરાઈ હતી, પણ દેશમાં આ લોકોને ફાંસી થાય એવી માગ ઊઠી છે.
હત્યારાઓને સોંપી દો
બળાત્કારી હત્યારાઓને પોલીસે પકડ્યા પછી તેમને જે શાદનગર પોલીસ સ્ટેશનમાં રખાયા તે પોલીસ સ્ટશનને લોકોએ ઘેરી લીધું હતું અને હત્યારાઓને જનતાને સોંપી દેવાની માગ થઈ હતી. જોકે બાદમાં પોલીસે આ ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. હજુ પણ શાદનગર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન જારી છે. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર ચપ્પલ ફેંક્યા હતા અને સીધા અપરાધીઓને ફાંસી આપો તેવી માગણી કરી હતી.
સાંસદ જયા બચ્ચને એવી માગણી કરી હતી કે બળાત્કારી હત્યારાઓને લોકોનાં ટોળાને હવાલે કરી દેવા જોઇએ જેથી પીડિતાને ઝડપથી ન્યાય મળે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી બધાજ નેતાઓએ બળાત્કારના આરોપીઓને તાત્કાલિક આકરામાં આકરી સજા થાય તેવી માગણી કરી હતી. આ સાથે જ સાંસદોએ કાયદામાં સુધારા કરીને ઝડપી ન્યાય તેમજ કડક સજા થાય તેવી માગણી કરી હતી.
રાજ્યસભામાં આ મામલે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન આક્રોશમાં આવી ગયા હતા. ૨૦૧૨માં જ્યારે નિર્ભયાકાંડ થયો ત્યારે જયા બચ્ચન રોઇ પડયા હતા. આ વખતે તેમણે માગણી કરી હતી કે બળાત્કારીઓને જો ઝડપી સજા ન આપી શકતા હો તો તેમને તાત્કાલિક પ્રજાને સોંપી દેવા જોઇએ. બીજી તરફ એઆઇએડીએમકેના મહિલા સાંસદ વિજિલા સત્યાનંદ ચર્ચા દરમિયાન અતિભાવુક થઇ ગયા હતા અને કહ્યું હતું કે ભારત આ દેશની બેટીઓ માટે સુરક્ષિત નથી રહ્યો.
બીજી તરફ કડક કાયદાને લઇને સરકારે સાંસદોને ખાતરી આપી છે કે સંસદ જે પણ કહે તેવો કડક કાયદો બનાવવા માટે સરકાર તૈયાર છે. રાજનાથસિંહે કહ્યું કે જેટલો પણ કડક કાયદો બનાવવો હોય તો તે માટે અમારી પુરી તૈયારી છે. જો આ મામલે સંસદમાં ચર્ચા કરવાની જરૂર હોય તો તેના માટે પણ સરકાર તૈયાર છે. ચર્ચા ચાલતી હતી ત્યારે જયા બચ્ચને કહ્યું કે મને ખ્યાલ નથી કે આપણે કેટલી વખત આવા મુદ્દે સંસદમાં ચર્ચા કરતા રહીશું.
હૈદરાબાદ થયું, નિર્ભયા થયું, કઠુઆ થયું, મને લાગે છે કે આ મુદ્દે સરકારને સવાલો થવા જોઇએ અને જવાબ પણ મળવા જોઇએ. કેમ હજુ સુધી આ અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી નથી થઇ? કેમ હજુ પીડિતા અને તેના પરિવારને ન્યાય નથી મળ્યો?
લોકોનો આક્રોશ અને વિરોધ
મહિલા તબીબ પર ગેંગરેપ અને તેની હત્યાના કારણે જંતર મંતર પર હજારો લોકોએ માથે કાળી પટ્ટી બાંધીને પ્રદર્શન શરૂ કર્યું હતું. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ‘કબ તક નિર્ભયા?’ અભિયાન શરૂ થવા લાગ્યું હતું. આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરનારા અમૃતા ધવને જણાવ્યું હતું કે, નિર્ભયાના અપરાધીઓ હજુ પણ જેલમાં કેદ છે તેમને ફાંસી કેમ નથી આપવામાં આવી રહી? આપણી જ્યૂડિશિયલ સિસ્ટમ જ એવી છે કે અહીં પીડિતાને ઝડપથી ન્યાય નથી મળી રહ્યો. અપરાધીઓ જેલમાં આરામ કરી રહ્યા છે, ભોજન મેળવી રહ્યા છે અને શાંતિથી ઊંઘી રહ્યા છે. જ્યારે બીજી તરફ નિર્ભયા જેવા અનેક પીડિતના પરિવાર છે કે જેઓને આજે પણ પૂરતી ઊંઘ નથી આવી રહી.
દિલ્હીના જંતર મંતર પર હજારો લોકો પીડિતાને શ્રદ્ધાંજલિ આપવા અને રેપની ઘટનાઓને અટકાવવા માટે સરકાર પર દબાણ વધારવા એકઠા થયાં હતાં. આ ઉપરાંત મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઇ જેવા અનેક મોટા શહેરોમાં તેમજ યુનિવર્સિટીઓમાં મહિલા સુરક્ષાની માગ સાથે ઉગ્ર દેખાવો જોવા મળ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter