નવી દિલ્હીઃ સતરમી લોકસભાની ચૂંટણીમાં ખુબ જ ખરાબ પ્રદર્શન બાદ ડાબેરી પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇંડિયા (સીપીઆઇ)નો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ શકે છે. સીપીઆઈએ લોકસભાની ચૂંટણીમાં માત્ર ૨ જ બેઠકો જીતી છે. માત્ર સીપીઆઈ જ નહીં પણ માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) અને શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સામે પણ આ જ પડકાર મોં ફાડીનો ઉભો છે. આ ત્રણેય રાજકીય પાર્ટીઓનું સતત બે લોકસભાની ચૂંટણીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે.
જોકે ૨૦૧૪માં આ ત્રણેય પક્ષોનો રાષ્ટ્રીય દરજ્જો છીનવાતા બચી ગયો હતો કારણ કે ૨૦૧૬માં ચૂંટણી પંચે પોતાના નિયમોમાં સંશોધન કર્યું હતું. પંચે નિર્ણય કર્યો હતો કે, હવે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પક્ષોના દરજ્જાની સમીક્ષા દર પાંચ વર્ષના બદલે દર ૧૦ વર્ષે કરવામાં આવશે.
ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી એસ. સુધાકર રેડ્ડીએ કહ્યું હતું કે, ચૂંટણી પંચના વર્તમાન નિયમો પ્રમાણે અમારા સમક્ષ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ જવાનો ભય છે. હવે ચૂંટણી પંચ નિર્ણય કરશે કે અમારું અસ્તિવ રાષ્ટ્રીય સ્તર પર છે કે કેમ. અમને આશા છે કે, ચૂંટણી પંચ આ દિશામાં સકારાત્મક નિર્ણય કરશે.
જોકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ તરફથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચ્યા બાદ પણ તેમના પક્ષની ગતિવિધિઓમાં કોઈ જ ફરક નહીં પડે. અમે અગાઉની માફક જ કામ કરતા રહીશું.