બાટલા હાઉસ એન્કાઉન્ટર: આતંકી આરિઝ ખાનને ફાંસી

Wednesday 17th March 2021 05:15 EDT
 
 

નવી દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા સોમવારે ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી આરિઝ ખાનને ફાંસીની સજા સંભળાવાઇ હતી. ૨૦૦૮માં દિલ્હીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ અને બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આરોપી આરિઝને આ સજા ફરમાવાઇ છે.
 કોર્ટે જણાવ્યું કે, બ્લાસ્ટ અને એન્કાઉન્ટર રેરેસ્ટ ઓફ ધ રેરની કેટેગરીમાં આવતી ઘટનાઓ છે અને તેને પગલે આરોપીને મૃત્યુદંડ આપવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, કોર્ટ દ્વારા ૮ માર્ચ ૨૦૨૧ના રોજ આરિઝ ખાનને બાટલા હાઉસ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો પણ સજાની જાહેરાત કરવામાં આવી નહોતી. સોમવારે કોર્ટે ફાંસીની સજા અને ૧૧ લાખના દંડની સજા જાહેર કરી હતી. આતંકીને કરવામાં આવેલી ૧૧ લાખના દંડમાંથી ૧૦ લાખની રકમ શહીદ પોલીસ ઈન્સ્પેક્ટર મોહનચંદ્ર શર્માના પરિવારજનોને આપવાનો આદેશ કર્યો છે.
કોર્ટમાં સોમવારે ચાલેલી દલીલો દરમિયાન આરિઝ તરફથી હાજર રહેલા વકીલ કોર્ટને દયા દાખવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરિઝની ઉંમરને ધ્યાનમાં રાખીને કોર્ટે ઉદારતા દાખવવી જોઈએ. બીજી તરફ સરકારી વકીલ અંસારીએ મૃત્યુદંડની માગણી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, કાયદા અને કાયદાના રક્ષકોની નૃશંસ હત્યાનો આ કેસ છે અને તેમાં કોઈ દયા દાખવવા જેવી નથી. આ ઘટનાથી સમગ્ર સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો. કોર્ટે આ દલીલો સાંભળ્યા બાદ સાંજે ચાર વાગ્યા સુધી ચુકાદો સ્થગિત રાખ્યો હતો અને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter