બાડમેરઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે આંધી- તોફાન અને વરસાદે કેર વરસાવ્યો હતો. બાડમેરનાં જસોલ ગામમાં જોધપુરના મુરલીધર મહારાજની રામકથા ચાલતી હતી ત્યારે અચાનક આંધી તોફાન સાથે ભારે વરસાદ શરૂ થયો જેના કારણે રામકથાનો મહાકાય પંડાલ તૂટી પડયો હતો. જેમાંથી ૧૪ લોકો મોતને ભેટયા હતા તથા અનેક ઘાયલ થયા હતા.
બાડમેર જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું કે પંડાલમાં ૧,૫૦૦ કરતાં પણ વધારે લોકો હાજર હતા. હાજર લોકોમાં મોટાભાગના વૃદ્ધ હતા. પંડાલ દુર્ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો. જેમાં મુરલીધર મહારાજ લોકોને પંડાલ ખાલી કરવાનું જણાવી રહ્યા હતા. જોકે આંખના પલકારામાં પંડાલ તૂટી પડયો હતો. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આ ઘટનાની તપાસ તથા પીડિતોને સારી સારવાર મળે તેવો આદેશ આપ્યો હતો.
વરસાદ બાદ પંડાલમાં કરન્ટ
અહેવાલો અનુસાર પંડાલમાં ૭૦૦ કરતાં પણ વધારે ભક્તો હતા બપોરના ૩ પછી હવામાનમાં પલટો આવ્યો હતો. ચાર વાગતા સુધીમાં ભારે આંધી તોફાન આવ્યું હતું તેને કારણે પંડાલ તૂટી પડયો અને લોકો દબાઈ ગયા. ભારે વરસાદને કારણે પંડાલની આજુબાજુ કાદવ થયો હતો. વરસાદ બાદ પંડાલમાં કરન્ટ લાગતાં નાસભાગ મચી હતી. મોટાભાગના લોકોના મોત કરન્ટ અને ગૂંગળામણને કારણે થયા હતા. પંડાલમાં દબાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં જેમા ૧૪ લોકોનાં મોત થયાં હતાં. તોફાન એટલું તેજ હતું કે લોકોને છટકવાની તક મળી નહોતી. ઘાયલોને નજીકના નાહટા હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ પ્રશાસન દ્વારા રાહત બચાવ કામ શરૂ કરી દેવાયું હતું. સત્તાવાળાઓએ તમામ ડોક્ટર અને મેડિકલ સ્ટાફને હોસ્પિટલ પહોંચીને ઘાયલોની સારવાર શરૂ કરી દેવાનો આદેશ આપ્યો હતો.
વડા પ્રધાને શોક વ્યક્ત કર્યો
વડા પ્રધાન મોદીએ બાડમેર દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે રાજસ્થાનના બાડમેરમાં પંડાલ તૂટી પડવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલદીથી સારા થઈ જાય તેવી શુભકામના. ઈશ્વર દિવંગતોની આત્માને શાંતિ બક્ષે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ ટ્વિટ કરીને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે રામકથા દરમિયાન પંડાલ તૂટી પડતાં મોટી સંખ્યામાં લોકોનાં મોતની ખબર અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ આપે તથા પીડિત પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
સિક્કિમમાં પર્યટકોને બચાવાયા
સિક્કિમમાં ભારે વરસાદને કારણે ઉત્તરી સિક્કિમ જિલ્લામાં ફસાયેલા ૪૨૭ પર્યટકોને ૨૧મીએ સુરક્ષિતપણે ઉગારી લેવાયા હતા. જિલ્લા પ્રશાસને આ તમામ પર્યટકોને રાજ્યની રાજધાની ગંગટોક સુધી પહોંચવા વાહનોની વ્યવસ્થા કરી આપી હોવાની માહિતી ઉત્તરી સિક્કિમના કલેક્ટર રાજ યાદવે આપી હતી.