બારમેરમાં સુખોઈ વિમાન તૂટી પડતાં ત્રણ ઘાયલ
જયપુરઃ રાજસ્થાનના બારમેરમાં ૧૫મી માર્ચે એરફોર્સનું એક સુખોઇ વિમાન તૂટી પડયું હતું. જેના કારણે ત્રણ ગ્રામ્ય લોકો ઘાયલ થયા હતા. જોકે અકસ્માત સમયે બંને પાયલટ પેરાશૂટની મદદથી નીચે કૂદી ગયા હતા તેથી તેમનો જીવ બચી ગયો હતો. સુખોઇ વિમાન એની રાબેતા મુજબની ટ્રેનિંગ ફલાઈટ પર હતું. સંરક્ષણ મંત્રાલયના પ્રવકતાએ આ અંગે કહ્યું કે, આ ઘટનાની તુરંત જ પોલીસ વિભાગ અને સ્થાનિક હોસ્પિટલમાં જાણ કરવામાં આવતાં પોલીસ અને એક મેડિકલ ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ થયેલા નારાયણ રામ, તેમની પત્ની અને ૧૪ વર્ષીય પૌત્ર હનુમાન સિંહને હોસ્પિટલે ખસેડાયા હતા.
એક અન્ય ઘટનામાં અલ્લાહાબાદ પાસે કૌસાંબીમાં એરફોર્સનું એક ‘ચેતક’ નામનું હેલિકોપ્ટર તૂટી પડયું હતું. શહેરના બહારના વિસ્તારમાંથી હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી.