બિકાનેરનો સ્વાદ દુનિયાને ચખાડનાર ‘ફન્ના બાબુ’ શિવ રતન અગ્રવાલનું નિધન

Friday 01st May 2026 06:38 EDT
 
 

બિકાનેરઃ બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે ચેન્નાઈમાં જ નિવાસ કરી રહ્યા હતા.
નિકટના લોકો વચ્ચે તેઓ ‘ફન્ના બાબુ’ તરીકે જાણીતા હતા.
‘ફન્ના બાબુ’એ વેપાર, સેવા તેમજ સાદગીમાં ઊંડી છાપ છોડી હતી. સ્વ. હલ્દીરામ અગ્રવાલના પૌત્ર અને સ્વ. મૂળચંદના પુત્ર શિવ રતને 1993માં બિકાજીની સ્થાપના કરી હતી. પરંપરાગત સ્વાદને આધુનિક ટેકનિક સાથે જોડીને બિકાજીને વૈશ્વિક ઓળખ અપાવી. બિકાનેર તેમને આજના યુગના ભગીરથી
માને છે. તેમણે શહેરને આરોગ્ય સેવાની ભેટ આપી છે.
મજબૂત વારસોઃ ‘ફન્ના બાબુ’એ 33 વર્ષમાં બિકાજીને 40 દેશમાં પહોંચાડી હતી. ‘ફોર્બ્સ’ અનુસાર કંપનીનું માર્કેટકેપ રૂ. 17,282 કરોડ અને શિવ રતન અગ્રવાલની નેટવર્થ રૂ. 13,175 કરોડ છે. તેઓ ‘ફોર્બ્સ’ની અબજોપતિની યાદી (2024)માં સામેલ હતા. બિકાજીની પાસે 250થી વધુ ફૂડ વેરાયટી, 550 ડિસ્ટ્રીબ્યૂટર્સનું નેટવર્ક છે.
બીજા મોટા દાનવીર: મહારાજા ગંગાસિંહ બાદ શહેરના બીજા મોટા દાનવીર શિવ રતન હતા. 1937માં મહારાજા ગંગાસિંહે પુત્રની યાદમાં પીબીએમ હોસ્પિટલ બનાવડાવી હતી. દાયકાઓ બાદ, 2010માં શિવ રતનના પરિવારે (હલ્દીરામ ટ્રસ્ટ) 20 કરોડના ખર્ચે હલ્દીરામ મૂલચંદ હાર્ટ હોસ્પિટલ બનાવડાવી. પહેલીવાર બાયપાસ સર્જરી શરૂ થઇ. ટ્રસ્ટ દર વર્ષે હોસ્પિટલ પર રૂ. 1 કરોડ ખર્ચ કરે છે. કેન્સર હોસ્પિટલમાં 250 બેડનો બ્લોક તેમજ અનેક સ્કૂલોને દત્તક લઇને શિક્ષણ તેમજ આરોગ્ય માટેની ચેતનાને જાગૃત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter