બિલાડીના ગળે ઘંટ બાંધવા બોલિવૂડની મથામણ

ટીવી ન્યૂઝ ચેનલોના કુપ્રચાર સામે હિન્દી ફિલ્મઉદ્યોગે કોર્ટમાં ધા નાંખી

Wednesday 14th October 2020 05:43 EDT
 
 

નવી દિલ્હી: દેશની કેટલીક ટીવી ન્યૂઝ ચેનલોમાં બોલિવૂડને નિશાન બનાવીને ચલાવાયેલાં નકારાત્મક અભિયાનનો મામલો આખરે કોર્ટમાં પહોંચ્યો છે. ચાર બોલિવૂડ એસોસિએશન અને ૩૪ ફિલ્મ નિર્માતાઓએ આ મુદ્દે દિલ્હી હાઇ કોર્ટમાં અરજી કરીને બોલિવૂડ અંગે બેજવાબદાર, અપમાનજનક અને બદનામ કરતી નિવેદનબાજી તેમજ બોલિવૂડ હસ્તીઓની મીડિયા ટ્રાયલ્સ કરવાથી કેટલાક મીડિયા હાઉસો અને ટીવી પત્રકારોને રોકવા અપીલ કરાઇ છે. આમ તો છેલ્લા કેટલાક મહિનાઓથી ટીવી ન્યૂઝ ચેનલો દ્વારા બોલિવૂડ સામે સાચા-ખોટા રિપોર્ટનો મારો ચાલી રહ્યો હતો, પરંતુ અહીં સવાલ એ હતો કે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? આખરે બોલિવૂડના એક વર્ગે એકસંપ થઇને ટીવી ચેનલોની કાર્યપદ્ધતિ સામે અવાજ ઉઠાવ્યો છે.
આ અરજી કરનારાઓમાં શાહરુખ ખાન, સલમાન ખાન, આમીર ખાન, અજય દેવગણ જેવા દિગ્ગજ અભિનેતાઓની કંપનીઓ સહિત કેટલાય મોટા પ્રોડક્શન હાઉસો સામેલ છે. તો ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડક્શન ગિલ્ડ ઓફ ઇંડિયા (પીજીઆઇ) અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (સીઆઇએનટીએએ) પણ આ કેસમાં ફરિયાદી તરીકે જોડાયા છે. આ દાવામાં ટીવી ચેનલો રિપબ્લિકન ટીવી અને ટાઇમ્સ નાઉ ઉપરાંત અનેક પત્રકારોને પણ પક્ષકાર બનાવાયા છે.
ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ બાદ બોલિવૂડની કાર્યશૈલી ચર્ચાના ચકડોળે ચઢી હતી અને ટીવી ન્યૂઝ ચેનલોમાં જાતભાતના અહેવાલો પ્રસારિત થઇ રહ્યા હતા. બોલિવૂડના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત હિન્દીફિલ્મ ઉદ્યોગ આટલો ચર્ચામાં રહ્યો હશે. તમામ મીડિયા રિપોર્ટ્સમાં બોલિવૂડ અંગે ઘણું બધું કહેવાયું છે. ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન કેટલીય બોલિવૂડ સેલિબ્રિટીઓને તેની સાથે સાંકળવામાં આવી હતી અને બોલિવૂડને એક એવા સ્થળ તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હતો કે જ્યાં ડ્રગ્સ જેવા દૂષણોની બોલબાલા છે.
દિલ્હી હાઇ કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં રિપબ્લિક ટીવી અને ટાઇમ્સ નાઉના નામ સામેલ છે. સાથે સાથે જ અર્નબ ગૌસ્વામી, પ્રદીપ ભંડારી, રાહુલ શિવશંકર અને નવિકા કુમારને પણ પક્ષકાર બનાવાયા છે.

બોલિવૂડની છાપ બગડતી અટકાવો

અરજીમાં ન્યૂઝ ચેનલ્સને પ્રોગ્રામ કોડનું પાલન કરીને બોલિવૂડની છબી ખરાબ કરતી સામગ્રીને દૂર કરવાની પણ માગણી કરવામાં આવી છે. સાથોસાથ અરજીમાં એવો આરોપ પણ લગાવાયો છે કે ચેનલોએ બોલિવૂડ અંગે ખૂબ જ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે. આની સામે ૩૪ મોટા પ્રોડક્શન હાઉસ અને ૪ ફિલ્મ સંસ્થાઓએ એક સાથે મળીને અવાજ ઉઠાવ્યો છે અને હાઇ કોર્ટમાં અરજી કરી છે. ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ આ તમામના નામોની યાદી જાહેર કરી છે.

ટીવી ચેનલ બેવડી ભીંસમાં

મુંબઇ પોલીસે એક તરફ ટીવી ન્યૂઝ ચેનલોના ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પ્રોગ્રામ) કૌભાંડનો પર્દાફાશ કરીને મીડિયા જગતમાં હલચલ મચાવી દીધી છે ત્યારે બીજી વખત શાહરુખ ખાન, સલમાન ખાન, આમીર ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર સહિત કુલ ૩૮ પ્રોડક્શન હાઉસ અને સંસ્થાઓએ કેટલાક મીડિયા ગ્રૂપ અને પત્રકારો દ્વારા બેજવાબદાર રિપોર્ટિંગ કરીને બોલિવૂડને બદનામ કરતું હોવાનો કેસ કર્યો છે.
છેલ્લા મહિનાઓથી કેટલીક ન્યૂઝ ચેનલો અને પત્રકારોએ બોલિવૂડને ટાર્ગેટ કર્યું હતું અને તેની બદનામી થાય તે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો હતો. બોલિવૂડના ત્રણ ખાનની સાથે અજય દેવગણ, કરણ જોહર, અક્ષય કુમાર, આદિત્ય ચોપરા, ફરહાન અખ્તર, ઝોયા અખ્તરના પ્રોડક્શન હાઉસીસની સાથે અન્યો પણ જોડાયા છે. તો ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડક્શન ગિલ્ડ ઓફ ઇંડિયા (પીજીઆઇ) અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (સીઆઇએનટીએએ) જેવા હિન્દી ફિલ્મઉદ્યોગમાં વર્ચસ ધરાવતા સંગઠનોનો પણ સમાવેશ થાય છે.

‘સૌથી ગંદી ઇન્ડસ્ટ્રીઝ’

દિલ્હી હાઇ કોર્ટમાં દાખલ કરેલા કેસમાં રિપબ્લિક ટીવી, અર્નબ ગોસ્વામી, પ્રદીપ ભંડારી, ટાઇમ્સ નાઉ, રાહુલ શિવશંકર અને નવિકા કુમાર સામે ફરિયાદ કરતાં જણાવાયું છે કે આ ટીવી ચેનલો અને પત્રકારોએ તેમના અહેવાલોમાં સમગ્ર બોલિવૂડની બદનામી થાય તેવા ‘ડર્ટ’, ‘ફિલ્થ’, ‘ડ્રગ્ગીસ’ વગેરે શબ્દોનો ઉપયોગ કર્યો હતો. બોલિવૂડનો સીધો ઉલ્લેખ કરતાં તેને દેશની સૌથી ગંદી ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખાવવામાં આવી હતી. કોકેઇન અને એલએસડી જેવા નશીલા પદાર્થોમાં બોલિવૂડ ગળાડૂબ છે, જેવા વાક્યોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter