લખનૌઃ બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે વાજતેગાજતે એક થયેલા જનતા પરિવાર ફરીથી વિખેરાયો છે. સમાજવાદી પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દે વાંધો ઉઠાવીને મહાગઠબંધન સાથેનો છેડો ફાડ્યો છે. સમાજવાદી પાર્ટી હવે એકલે હાથે બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે. પાર્ટીના મહામંત્રી રામગોપાલ યાદવે જણાવ્યું હતું કે, પાર્ટીની સંસદીય દળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે.
તેમણે જણાવ્યું કે, મહાગઠબંધનમાં સામેલ થવાનો નિર્ણય ક્યારેય પાર્ટી માટે ફાયદારૂપ નહોતો. તેમના મુજબ, જનતા પરિવાર નામની કોઈ ચીજ ક્યારેય હતી જ નહીં, પરંતુ આ તો સમાજવાદી પાર્ટી માટે ડેથ વોરંટ હતું. ગઠબંધનમાં સમાજવાદી પાર્ટીનું અપમાન થયું હતું. બેઠકોની વહેંચણી કરતી વખતે ગઠબંધનના નેતાઓએ પાર્ટીના નેતાઓ સાથે કોઈ વાત કરી જ નહોતી. અમને તો બેઠકોની વહેંચણી અંગે ટીવી અને મીડિયા દ્વારા જાણકારી મળી હતી. આ કારણથી અમે અપમાનિત થયાનો અનુભવ કરી રહ્યા હતા. રામગોપાલ યાદવે એમ પણ જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો પાર્ટી બિહાર ચૂંટણી માટે અન્ય પક્ષોનું પણ સમર્થન માગી શકે છે. માનવામાં આવે છે કે, સમાજવાદી પાર્ટી ૫૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે, મહાગઠબંધનની પટનામાં થયેલી રેલીમાં મુલાયમસિંહ હાજર ન રહેતાં ત્યારથી જ સંબંધો વણસ્યા હોવાનું લાગી રહ્યું હતું.
• બહુચર્ચિત શીના બોરા હત્યા કેસમાં પેણથી મુંબઈ પોલીસે ખોદી કાઢેલાં અવશેષો એ શીના બોરાનાં હોવાનું ફોરેન્સિક લેબ દ્વારા જણાવાયું છે. વર્ષ ૨૦૧૨માં શીનાની હત્યા કરી તેના મૃતદેહને પેણ પાસેના ગાગોડે ખુર્દ ગામ પાસેનાં જંગલમાં લઇ જવાયો હતો અને તેના પર પેટ્રોલ નાખી સળગાવાયો હતો. થોડા દિવસ બાદ પેણ પોલીસને આ બાબતે જાણ થતાં તેમણે તેના અવશેષો તપાસ માટે લીધા હતા. મુંબઈ પોલીસને આ અંગે જાણ થતાં અવશેષોને ખોદીને ફોરેન્સિક તપાસ માટે મોકલાયાં હતાં. ફોરેન્સિક લેબ દ્વારા ઇન્દ્રાણી, મિખાઇલ અને સિદ્ધાર્થ દાસનાં બ્લડ સેમ્પલ લઇ તેની સાથે એ અવષેશોના ડીએનએ તપાસ્યાં હતાં, જે મેચ થતાં પેણમાં મળી આવેલાં એ અવશેષો શીનાનાં હોવાનું સાબિત થયું છે.
• દિલ્હીની ૧૭ વર્ષની એક કિશોરી સાથે જયપુરમાં સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. એક હોટલમાં ૨૪ કલાક સુધી ૨૭ લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેને એક દંપતી નોકરીની લાલચમાં જયપુર લાવ્યું હતું.
• કોંગ્રેસના પીઢ નેતા દિગ્વિજયસિંહે મહિલા પત્રકાર અમૃતા રાય સાથે ગત મહિને ચેન્નાઇમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યાં છે. તેમણે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. દિગ્વિજયસિંહની પ્રથમ પત્ની આશાદેવીનું વર્ષ ૨૦૧૩માં મૃત્યુ થયું હતું. પહેલાં લગ્નથી તેમને ચાર પુત્રીઓ અને એક પુત્ર છે.