બિહારની પંચાયત ચૂંટણીમાં મૃત વ્યક્તિએ ચૂંટણી જીતી લીધી!

Thursday 02nd December 2021 05:29 EST
 
 

જમુઈ (બિહાર): બિહારના જમુઇમાં પંચાયત ચૂંટણીમાં એક મૃતકે પોતાના જ મૃત્યુથી ઉદભવેલી સહાનૂભૂતિની લહેર પર સવાર થઇને જીત મેળવી છે. પટણાથી ૨૦૦ કિ.મી.ના અંતરે આવેલા આ જિલ્લામાં આ અસામાન્ય ઘટનાની જાણ તે સમયે થઇ જ્યારે વિજેતા ઉમેદવારોને પ્રમાણપત્ર સોંપાઇ રહ્યાં હતાં. ખૈરાના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર રાઘવેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે દીપકરહાર ગામના વોર્ડ નં. ૨માંથી વિજેતા સોહન મૂર્મૂનો કોઇ અતોપતો નહોતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મતદાનના ૧૫ દિવસ પહેલા છઠ્ઠી નવેમ્બરના રોજ સોહનનું અવસાન થયું હતું.
હરીફ સામે ૨૮ મતોથી જીતેલા સોહનના પરિવારે કહ્યું હતું કે તેમની અંતિમ ઇચ્છા ચૂંટણી જીતવાની હતી. આથી તેમણે સોહનના અવસાનની જાણ ચૂંટણી પંચને કરી ન હતી. ગામલોકોએ પણ મૂર્મૂના પરિવારને સાથ આપ્યો હતો. ગામલોકોએ તેમની અંતિમ ઇચ્છાને માન આપી તેમની તરફેણમાં મતદાન કર્યુ હતું. ત્રિપાઠીએ કહ્યું હતું કે ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર કોઇને પણ આપવામાં આવ્યુ નથી. હવે નવેસરથી ચૂંટણી યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter