બિહારમાં અનામતના વિરોધમાં ગોળીબાર, પથ્થરમારો, આગચંપી

Wednesday 11th April 2018 08:17 EDT
 
 

નવી દિલ્હી: આઠ દિવસ પહેલાં દલિત સંગઠનોના ભારત બંધના જવાબમાં મંગળવારે આરક્ષણના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરાઈ હતી. વિવિધ રાજ્યોમાંથી આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે મંગળવારે સવારથી બિહારના આરામાં હિંસક વાતાવરણ જોવા મળી રહ્યું હતું. મંગળવારે સવારે પહેલાં આરામાં ટ્રેન રોકીને આરક્ષણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારપછી ત્યાં ઘણી જગ્યાએ પથ્થરમારો અને ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલય દ્વારા તંત્ર એલર્ટ કરી દેવાયું છે. જ્યારે ઘણાં રાજ્યોમાં હિંસાને ધ્યાનમાં રાખીને પહેલેથી જ કર્ફ્યૂ લાગી દેવામાં આવ્યો છે.
ટ્રેન રોકવામાં આવી
બિહારના અરાહમાં દેખાવકારોએ ટ્રેન રોકીને વિરોધ નોંધાવ્યો. સુરક્ષાના પગલે ઘણાં રાજ્યોમાં પેહેલેથી જ ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા દ્વારા આપવામાં અપાયેલું આ બંધનું એલાન આમ તો સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ રીતે પૂરું થયું હતું અને બંધને મિશ્ર પ્રતિસાદ પણ મળ્યો હતો.
મધ્ય પ્રદેશમાં પોલીસ એલર્ટ પર હતી. ગ્વાલિયર અને ભિંડ જિલ્લામાં કર્ફ્યૂ હતો. મંગળવારે સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી હતી. ઈનિટરનેટ પણ ૪૮ કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. ભોપાલમાં કલમ ૧૪૪ લગાવી દેવામાં આવી હતી. સોમવારે ભોપાલ, ગ્વાલિયર સહિત દરેક રાજ્યના કમિશ્નર અને આઈજીની સંયુક્ત બેઠક રાખવામાં આવી હતી. તેમાં કલમ ૧૪૪ લાગુ કરવા, સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ વાયરલ થાય તો તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો. રાજસ્થાનના ભરતપુરમાં પણ કલમ ૧૪૪ લગાવી દેવાઈ હતી અને ઈન્ટરનેટ સર્વિસ પણ બંધ કરી હતી. ઉત્તરાખંડના નૈનિતાલમાં પણ ૧૪૪ દાખલ કરાઈ હતી. ધરણાં-પ્રદર્શન કરનાર લોકો પર કડક કાર્યવાહીનો આદેશ હતો. આ બંધ અંગે મોટા સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં નહોતી આવી પરંતુ સોશિયલ મીડિયા ઉપર ૩જી એપ્રિલથી તેનું અભિયાન ચાલી રહ્યું હતું. આ બંધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ દરેક રાજ્યને પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવાનો આદેશ આપ્યો હતો. સુરક્ષાના પગલે સરકારે પહેલેથી જ અમુક રાજ્યોમાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી હતી. પહેલીવાર માત્ર સોશિયલ મીડિયાના કોલના આધારે ભારત બંધની આશંકા ઊભી થઈ છે.
હિંસા થાય તો કલેક્ટર-એસપી જવાબદાર
આ બંધના એલાન માટે ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું હતું કે, ક્યાંય પણ હિંસા કે કોઈ દુર્ઘટના થશે તો તે વિસ્તારના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ડીએમ) અને પોલીસ અધિકારી (એસપી)ને અંગત રીતે જવાબદાર ઠેરવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter