બિહારમાં એનડીએનો ઘોડો ફરી વિનમાં

Wednesday 11th November 2020 05:30 EST
 
 

પટણાઃ બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકો માટે મંગળવાર સવારથી મતગણતરીનો દોર શરૂ થયો છે, અને એક્ઝિટ પોલના તારણથી વિપરિત એનડીએનો ઘોડો વિનમાં જણાય છે.
સવારે મતગણતરી શરૂ થઇ ત્યારે પ્રારંભે તો તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના નેતૃત્વમાં ચૂંટણી જંગ લડી રહેલા મહાગઠબંધને સરસાઇ મેળવી હતી. આ જોતાં એક્ઝિટ પોલ પ્રમાણે મહાગઠબંધન ક્લિનસ્વીપ કરે તેવા ઉજળા સંજોગો સર્જાયા હતા. જોકે દિવસ ચઢવાની સાથે જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઇ હતી તેમ તેમ એનડીએનો દેખાવ સુધરવા લાગ્યો હતો.

અત્યાર સુધીના ટ્રેન્ડ અનુસાર એનડીએ ૧૨૬ બેઠકો મેળવે તેવી જ્યારે વિરોધ પક્ષનું મહાગઠબંધન ૧૦૬ બેઠકો મેળવે તેવા અણસાર છે. જો આ ટ્રેન્ડ અનુસાર પરિણામ જાહેર થયા તો રાજ્યમાં ફરી એક વખત એનડીએની સરકાર રચાવાનું નક્કી છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને જ એનડીએ દ્વારા સીએમ હાઉસમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે એનડીએ તેના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે નીતિશ કુમારનું નામ જાહેર કરી ચૂક્યો છે.
રાજ્યમાં ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં - કોરોના મહામારી છતાં - ૭.૩૪ કરોડ મતદાતામાંથી ૫૭.૦૫ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૫ની ચૂંટણીમાં આ ટકાવારી ૫૬.૬૬ ટકા હતી. આ વખતે કુલ ૩૭૩૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી ૩૩૬૨ પુરુષ, ૨૭૦ મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.
એનડીએના સર્વગ્રાહી દેખાવની વાત કરીએ તો બે બેઠકોનું નુકસાન દેખાય છે. ૨૦૧૫માં ૧૨૫ બેઠકો કબ્જે કરનાર એનડીએ આ વખતે એક બેઠકના ફાયદા સાથે ૧૨૬ બેઠકો જીતે તેવા અણસાર છે. એનડીએના સહયોગીઓમાં પણ ભાજપનો દેખાવ શ્રેષ્ઠ છે. ૨૦૧૫માં ૫૩ બેઠકો જીતનાર ભાજપ આ ચૂંટણીમાં ૨૦ બેઠકોના ફાયદા સાથે કુલ ૭૩ બેઠકો પર વિજય મેળવશે તેમ જણાય છે. આમ મુખ્ય પ્રધાન નીતિશ કુમારના જનતા દળ (યુ) કરતાં ભાજપનો દેખાવ ઘણો સારો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ મહાગઠબંધનમાં લાલુ-પુત્ર તેજસ્વી યાદવના રાજદે ઝમકદાર દેખાવ કરીને રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ભાજપ સહિતના એનડીએએ ચૂંટણી પ્રચાર દરમિયાન તેજસ્વી યાદવને નિશાન બનાવીને તેના રાજકીય અનુભવ - સૂઝબૂઝ - કુનેહ વિશે સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ આ જ તેજસ્વી યાદવ અને તેમનો રાજદ શાસક પક્ષને ભારે પડ્યા છે.
આ દરમિયાન મતગણતરી દરમિયાન ઘાલમેલ કર્યાના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સામે આક્ષેપો થયા હતા. જોકે ચૂંટણી પંચે આ તમામ આક્ષેપોને નિરાધાર ગણાવીને ફગાવી દીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter