બિહારમાં ચૂંટણી બ્યૂગલ વાગ્યુંઃ ૧૨ ઓક્ટોબરથી પાંચ તબક્કામાં મતદાન

Thursday 10th September 2015 05:49 EDT
 
 

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે બિહાર વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ બુધવારે જાહેર થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહાર મુખ્ય પ્રધાન નીતિશ કુમારની લોકપ્રિયતાની કસોટી તરીકે જોવામાં આવતી આ વિધાનસભા ચૂંટણી ૧૨ ઓક્ટોબરથી પાંચમી નવેમ્બર દરમિયાન પાંચ તબક્કામાં યોજાશે. અંતિમ તબક્કાનું મતદાન થયાના ત્રણ દિવસ બાદ ૮ નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
ચીફ ઇલેક્શન કમિશનર નસીમ ઝૈદીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે કુલ ૨૪૩ બેઠકો ધરાવતી બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ૧૬ સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પડાશે. ત્યારબાદ પ્રથમ તબક્કાનું મતદાન ૧૨ ઓક્ટોબરે, બીજા તબક્કાનું ૧૬ ઓક્ટોબરે, ત્રીજા તબક્કાનું ૨૮ ઓક્ટોબરે જ્યારે ચોથા અને પાંચમા તબક્કાનું મતદાન અનુક્રમે પહેલી અને પાંચમી નવેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં ૪૯ બેઠકો માટે, બીજામાં ૩૨, ત્રીજામાં ૫૦, ચોથામાં ૫૫ અને પાંચમા તબક્કામાં ૫૭ બેઠકો માટે મતદાન થશે.
ઝૈદીએ કહ્યું હતું કે વર્તમાન વિધાનસભાની ટર્મ ૨૯ નવેમ્બરે પૂરી થઇ રહી હોવાથી ૨૯ નવેમ્બર અગાઉ નવી સરકારની રચના થઇ જવી જરૂરી છે. ચૂંટણીના દિવસોમાં કે તેની આસપાસ દશેરા, બકરી ઈદ, મોહર્રમ, દિવાળી અને બિહારમાં આગવું મહત્ત્વ ધરાવતા છઠ્ઠ પૂજા જેવા મોટા તહેવારો આવતા હોવાથી કોમી એખલાસ અને શાંતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
સાથી ચૂંટણી કમિશનરો અચલ કુમાર જોતિ અને ઓમ પ્રકાશ રાવતની હાજરીમાં પત્રકાર પરિષદને સંબોધતાં નસીમ ઝૈદીએ ઉમેર્યું હતું કે બિહારમાં શાંતિપૂર્ણ, મુક્ત અને નિષ્પક્ષ રીતે ચૂંટણી પાર પડે તે માટે સલામતીનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
રાજ્યના કુલ ૩૮માંથી ૨૯ જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત હોવાથી તમામ ૬૨,૭૭૯ મતદાન મથકો પર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો તૈનાત કરાશે. બિહારમાં કુલ ૬.૬૮ કરોડ મતદારો છે. મતદારોની સુવિધા માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ)માં ઉમેદવારોના ફોટા પણ હશે.
ઉલ્લેખનીય છે કે બિહારની ચૂંટણીમાં શાસક જનતા દળ (યુ)એ લાલુ પ્રસાદ યાદવના રાજદ (રાષ્ટ્રીય જનતા દળ) તેમ જ કોંગ્રેસ સાથે મળીને મહાગઠબંધન કર્યું છે. આ યુતિમાં શરૂઆતમાં મુલાયમ સિંહનો સમાજવાદી પક્ષ (સપા) પણ જોડાયો હતો, પરંતુ બેઠક ફાળવણીમાં અસંતોષના પગલે સપાએ યુતિ સાથે છેડો ફાડ્યો છે. બીજી તરફ ભાજપના નેતૃત્ત્વ હેઠળના એનડીએમાં રામ વિલાસ પાસવાનની એલજેપી, જીતનરામ માંઝીનો પક્ષ તથા આરએલએસપીનો સમાવેશ થાય છે.

પાંચ તબક્કા સામે કચવાટ

ઓક્ટોબર-નવેમ્બરમાં માત્ર બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, આમ છતાં મતદાન એક તબક્કામાં યોજવાના બદલે પાંચ તબક્કામાં યોજવાના નિર્ણય સામે સવાલો ઊઠ્યા છે. ટીકાકારો કહી રહ્યા છે કે ચૂંટણી પંચના આ નિર્ણયથી વડા પ્રધાન મોદીને ચૂંટણી સભાઓ યોજવામાં સરળતા રહેશે.
જનતા દળ (યુ)ના પ્રમુખ શરદ યાદવે તેમની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, પાંચ તબક્કામાં ચૂંટણી ઘણી લાંબી રહેશે. આ તબક્કા ઘટાડી શકાયા હોત. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવે પણ કહ્યું હતું કે ચૂંટણીઓ એક તબક્કામાં યોજાઇ હોત તો સારું હતું. તહેવારોને કારણે લોકોને પણ મતદાનમાં મુશ્કેલી પડશે એ સમજવાની જરૂર છે. ચૂંટણી પંચે કેન્દ્ર સરકારની રજૂઆતથી ભરમાઇ જવાની જરૂર નહોતી. આમ કહીને તેમણે એવી ટિપ્પણી કરી હતી કે ચૂંટણી પંચે નિષ્પક્ષ પણે ચૂંટણી યોજવી જોઈએ.

નીતિશ-લાલુના મહાગઠબંધનનું પલ્લું ભારે

બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ ઓપિનિયન પોલ્સના તારણો પણ આવવાના શરૂ થઇ ગયા છે. ઇન્ડિયા ટીવી ચેનલ અને સી-વોટરના ઓપિનિયન પોલ મુજબ જનતા દળ (યુ), રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને કોંગ્રેસના મહાગઠબંધનનું પલ્લું ભારે છે. આ ગઠબંધન બિહારની કુલ ૨૪૩ વિધાનસભા બેઠકોમાંથી બહુમતી માટે જરૂરી ૧૨૨ના જાદુઇ આંક સામે ૧૧૬થી ૧૩૨ બેઠકો જીતી શકે છે. બીજી તરફ ભાજપ, એલજેપી, આરએલએસપી અને જીતનરામ માંઝીના પક્ષને સમાવતા એનડીએને ૯૪થી ૧૧૦ બેઠકો મળી શકે છે.

આ ઓપિનિયન પોલ બિહારના તમામ વિધાનસભા મતક્ષેત્રોના મળીને કુલ ૧૦,૬૮૩ રિસ્પોન્ડન્ટ્સને સાંકળીને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા દરમિયાન હાથ ધરાયો હતો.

બિહારના મુખ્ય પ્રધાન પદ માટેના શ્રેષ્ઠ દાવેદાર અંગેના પ્રશ્નના જવાબમાં સૌથી વધુ ૫૩ ટકા ઉત્તરદાતાઓએ વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર પસંદગી ઉતારી હતી. જ્યારે સુશીલ કુમાર (ભાજપ) ૧૮ ટકા અને લાલુ પ્રસાદ યાદવ (રાજદ) તથા શત્રુઘ્ન સિંહા (ભાજપ)ને પાંચ-પાંચ ટકા ઉત્તરદાતાઓએ પસંદ કર્યા હતા.

બિહારમાં જ્ઞાતિવાદઃ કોના કેટલા મતદારો?

• ઓબીસી ૫૧ ટકા
• મહા દલિત ૧૦ ટકા
• દલિત ૦૬ ટકા
• મુસ્લિમ ૧૬.૯ ટકા
• ઉચ્ચ વર્ગ ૧૫ ટકા
• આદિવાસી ૦૧ ટકા
• અન્ય ૦.૧ ટકા

વિધાનસભામાં પક્ષવાર સ્થિતિ
જનતા દળ (યુ) ૮૮
ભાજપ ૫૫
આરજેડી ૫૪
એલજેપી ૧૦
કોંગ્રેસ ૯
સીપીઆઇ-એમએલ ૫
બસપા ૪
સીપીઆઈ ૩
સપા ૨
એનસીપી ૧
સીપીઆઇ-એમ ૧
અપક્ષ ૧૧


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter