બિહારમાં નિતિશ અને ભાજપના હનીમૂનનો અંત, ફરી મહાગઠબંધન સરકાર

નિતિશ હવે મહાગઠબંધનના મુખ્યમંત્રી, તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી અને રાજદને વિધાનસભા સ્પીકર પદ

Wednesday 10th August 2022 05:16 EDT
 
 

નવી દિલ્હી

બિહારમાં મહારાષ્ટ્રની જેમ ભાજપ ઓપરેશન લોટસ અમલમાં મૂકે તે પહેલાં જ નિતિશ કુમારે પહેલો ઘા મારતાં એનડીએ ગઠબંધન સાથેનો છેડો ફાડી નાખ્યો છે. જોકે નિતિશે તેમના અગાઉના સાથી રાજદ, કોંગ્રેસ અને ડાબેરીઓનો સહારો મેળવી પોતાના જ નેતૃત્વમાં નવી સરકાર પણ સુનિશ્ચિત કરી લીધી હતી.

નિતિશ કુમારે મંગળવારે સાંજે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને પોતાની સરકારનું રાજીનામુ આપી દીધું હતું. આ પહેલાં નિતિશ કુમારે પોતાના નિવાસસ્થાને જદયુના ધારાસભ્યો અને નેતાઓની બેઠકમાં ભાજપ સાથે છેડો ફાડવાના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીમાં બધાની સહમતિથી ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય લેવાયો છે. બીજીતરફ રાજદના નેતા તેજસ્વી યાદવ દ્વારા આયોજિત બેઠકમાં કોંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા અને નિતિશ કુમારના નેતૃત્વમાં રચાનારી સરકારને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો હતો. મોડી સાંજે નિતિશ કુમારને મહાગઠબંધનના નેતા તરીકે ચૂંટી કઢાયા હતા અને તેમણે રાજભવન પહોંચીને મહાગઠબંધન સરકારની રચના કરવા રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કર્યો હતો.

બિહારની નવી સરકાર નિતિશની આગેવાનીમાં જ રચાશે પરંતુ સાથીઓ બદલાઇ જશે. રાજદ નેતા અને લાલુપુત્ર તેજસ્વી યાદવને નાયબ મુખ્યપ્રધાન પદ અને ગૃહ મંત્રાલય સોંપવાની સમજૂતિ થઇ છે. તે ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષનું પદ તેજસ્વી યાદવની પાર્ટીના ફાળે જશે. અન્ય મંત્રીઓની નિયુક્તિનો નિર્ણય નિતિશ કુમાર પર છોડવામાં આવ્યો છે.

નિતિશે એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ વિધાનસભાની સ્થિતિ

243 વિધાનસભાની કુલ બેઠક

122 બેઠક બહુમતી માટે જરૂરી

નિતિશના નેતૃત્વમાં મહાગઠબંધન

45 જદયુ

79 રાજદ

19 કોંગ્રેસ

16 ડાબેરી મોરચો

ભાજપના નેતૃત્વમાં એનડીએ

77 ભાજપ

04 હમ-એસ

01 અપક્ષ

અન્ય

01 એઆઇએમઆઇએમ

ભાજપ બિહારમાં મહારાષ્ટ્રનું પુનરાવર્તન કરવા માગતો હતો – જદયુ

જદયુએ આરોપ મૂક્યો હતો કે અમિત શાહ આરસીપી સિંહનો ઉપયોગ કરીને બિહારમાં મહારાષ્ટ્રનું પુનરાવર્તન કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. નિતિશ કુમારને લાગ્યું હતું કે, ભાજપ તેના સાથીપક્ષોને ખોખલા કરી નાખવા આ પ્રકારનો જ વ્યવહાર કરે છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સાથે ભાજપે આ પ્રકારનો જ વ્યવહાર કર્યો હતો.

નિતિશ કુમારે બિહારની જનતા અને અમારી સાથે દગો કર્યો છે – ભાજપ

બિહાર ભાજપના પ્રદેશ ધ્યક્ષ સંજય જયસ્વાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 2017માં નિતિશ કુમાર રાજદ પર ભ્રષ્ટાચારના આરોપો મૂકીને મહાગઠબંધનથી અલગ થઇ ગયા હતા. તેમણે હવે બિહારની જનતાને જવાબ આપવો પડશે કે એવું તો શું બદલાઇ ગયું કે નિતિશને ફરી રાજદનું સમર્થન લેવાની ફરજ પડી રહી છે? નિતિશ કુમારે અમારી સાથે વિશ્વાસઘાત કરવાની સાથે બિહારની જનતાએ આપેલા મતનું અપમાન કર્યુ છે.

સાથીઓને દગો આપવાની નિતિશ કુમારની જૂની આદત – ચિરાગ પાસવાન

લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, સાથીઓને દગો આપવાની નિતિશ કુમારની જૂની આદત છે. તેઓ ફરી વાર પણ સાથી પાર્ટીઓ અને તેમને સાથ આપનારા લોકોને દગો આપશે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને નવેસરથી ચૂંટણી કરાવવાની જરૂર છે. નિતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડીને પોતાના અંગત સ્વાર્થ માટે બિહારના હિતો સાથે સમાધાન કર્યું છે. જે ભાજપે નિતિશ કુમારને મુખ્યમંત્રી પદે બેસાડ્યા તેમની સાથે જ નિતિશે વિશ્વાસ ઘાત કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter