બિહારમાં પોલિટીકલ સાયન્સમાં શીખવાતી ‘રાંધણ કળા’

Thursday 02nd June 2016 07:36 EDT
 
 

પટના: બિહારની શાળાઓમાં મોટા પાયે ચાલી રહેલી ગેરરીતિઓ સામે આવી છે. હાલમાં જ બિહાર બોર્ડના પરિણામો જાહેર થયા હતા, જેમાં ૧૨ ધોરણની આર્ટ્સની ફેકલ્ટીમાં રૂબી રોય અને સાયન્સ ફેકલ્ટીમાં સૌરભ શ્રેષ્ઠ નામના વિદ્યાર્થીઓ ટોપર બન્યા હતા. આ ટોપરોને એક્ટિવ ઈન્ટરવ્યૂમાં પોતાના વિષયો સંબંધિત સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ સવાલો સાચો જવાબ આ ટોપર્સ આપી શક્યા નહોતા! આર્ટ્સની ટોપર રૂબીને તો કેટલા માર્કસની પરીક્ષા લેવામાં આવી હતી તેની પણ જાણકારી નહોતી.

આ ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન રૂબી પોલિટીકલ સાયન્સને ‘પ્રોડિકલ સાયન્સ’ બોલી હતી અને તેમાં પાકકળા શીખવવામાં આવે તેવું પણ જ્ઞાન પીરસ્યું હતું. આ ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આ ઘટનાએ ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાને કારણે બિહાર શિક્ષણ બોર્ડની ખાસ્સી ફજેતી થઈ છે. હવે બિહાર સ્કૂલ એક્ઝામ કમિટીએ પહેલી વાર ટોપરોનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું છે. બિહાર શિક્ષણ બોર્ડની એક કમિટી આ ઇન્ટરવ્યૂ લેશે. ત્રણે ફેકલ્ટીના ટોપ ફાઇવ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે.

બોર્ડના ચેરમેન પ્રોફેસર લાલકેશ્વરપ્રસાદ સિંહે જણાવ્યું છે કે, આ ઇન્ટરવ્યૂમાં ફેલ થનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને તેમના પરિણામો પણ રદ કરી દેવામાં આવશે. શિક્ષણ પ્રધાન અશોક ચૌધરીના આદેશ બાદ બોર્ડના ચેરમેન આ ટોપર્સની ઉત્તરવહીઓ મગાવવાનો આદેશ આપી દીધો છે. આ ઉત્તરવહીઓની ચકાસણી સ્પેશિયલ ટીમ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter