કહલગામઃ બિહારમાં ૪૦ વર્ષ બાદ રૂ. ૮૨૮ કરોડના ખર્ચે તૈયાર કરેલો બટેશ્વર ગંગા પંપ નહેર પરિયોજનાનો ડેમ ટ્રાયલ દરમિયાન કલાકોમાં જ વીસમી સપ્ટેમ્બરે તૂટી પડ્યો હતો. મુખ્ય પ્રધાન નીતિશકુમાર વીસમી સપ્ટેમ્બરે આ પરિયોજનાનું ઉદઘાટન કરવાના હતા. ઉદઘાટન માટેની જિલ્લા તંત્રએ તૈયારીઓ પણ કરી લીધી હતી અને સભાસ્થળ પણ ભવ્ય રીતે શણગારાયું હતું. ૨૦મીએ સાંજે જેવા ૧૨માંથી પાંચ મોટર પંપ ચાલુ કરાયા કે પાંચ વાગતા પહેલાં ડેમ તૂટી પડ્યો. જળસંસાધન વિભાગના એસઈ જ્ઞાનપ્રકાશે જણાવ્યું હતું કે હવે ડેમના સમારકામના એક અઠવાડિયા બાદ ઉદઘાટન કરાશે.