બીએસઇ સેન્સેક્સ આ વર્ષે એક લાખના શિખરે આંબી શકેઃ ક્રિસ્ટોફર વુડ

Saturday 10th January 2026 05:24 EST
 
 

અમદાવાદ: ભારતીય બેંચમાર્ક ઈન્ડેકસ બીએસઈ સેન્સેકસ 2025માં 7082 પોઈન્ટ એટલે કે 9.1 ટકા વધીને 85,221 પર બંધ આવ્યો હતો. સતત દસમા કેલેન્ડર વર્ષમાં સેન્સેકસમાં પોઝીટિવ વળતર પ્રાપ્ત થયું છે અને આ છેલ્લા એક દાયકામાં કુલ 226 ટકાનું બમ્પર વળતર મળ્યું છે.
2025 દરમિયાન સેન્સેક્સ 86,159ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને સ્પર્યો હતો, જે તેના વાર્ષિક નીચલા સ્તર 74,425થી 20.9 ટકા ઉપર છે. જોકે આ વર્ષે બજારની અસ્થિરતા અને નેટ રિટર્ન છેલ્લા દસ વર્ષની સરેરાશ કરતા ઓછું રહ્યું છે. છેલ્લા દાયકામાં સરેરાશ અસ્થિરતા 31.4 ટકા હતી અને સરેરાશ વળતર 12.8 ટકા હતું.
જોકે જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડનું માનવું છે કે 2026માં સેન્સેક્સ 1,00,000 સુધી પહોંચવાની શક્યતા છે. જોકે આ લેવલ હાંસલ કરવા માટે આર્થિક ચક્રમાં વધારો અને કોર્પોરેટ કમાણી મજબૂતાઈની પૂર્વશરત છે. વર્તમાન સ્તરે સેન્સેક્સ 1 લાખની મનોવૈજ્ઞાનિક સપાટીથી 14,779 પોઈન્ટ અથવા 17.3 ટકા દૂર છે. ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 10 વર્ષમાં સેન્સેક્સ 18.7ટકાથી વધુ ત્રણ વખત અને 14 ટકાથી વધુ પાંચ વખત વધ્યો છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વુડે કહ્યું કે, ‘2025નું પ્રદર્શન 10-15 ટકા આસપાસના વળતરની અપેક્ષાઓ સાથે સુસંગત હતું. જો કમાણીમાં સાયકલિકલ રિકવરી થાય, તો સેન્સેક્સ અહીંથી વધુ 10થી 15 ટકા આ નવા વર્ષમાં વર્ષો શકે છે, જે તેને મારા 1,00,000ના લાંબા ગાળાના લક્ષ્યની નજીક લાવે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter