બીએસઇમાં ૮૦૦ પોઇન્ટનો કડાકોઃ રોકાણકારોના રૂ. ૩ લાખ કરોડ સ્વાહા

Friday 12th February 2016 02:39 EST
 
 

મુંબઇઃ પબ્લિક સેક્ટર બેન્કોની બેડ લોન અને અમેરિકાના વ્યાજદરની ચિંતાના પગલે મુંબઇ શેરબજાર (બીએસઇ) સેન્સેક્સમાં ગુરુવારે એક જ દિવસમાં ૮૦૭ પોઇન્ટનો પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ અને નિફટી સર્વોચ્ચ સપાટીથી ર૧ ટકા નીચે ઊતરી જવાની સાથે જ શેરબજાર 'બેર-માર્કેટ'ના ઝોનમાં હોવાનું કન્ફર્મ થઈ ગયું છે. આમ હવે પછી નજીકનો કે શોર્ટ ટર્મ પિરિયડ નવી નીચી બોટમનો હોવાની દહેશત પાકી બની હતી. શેરબજારના ધબડકામાં રોકાણકારોના રૂ. ૩.૧૮ લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. આ સાથે ચાલુ વર્ષે કામકાજમાં ૩૦ દિવસમાં માર્કેટકેપની રીતે ઇન્વેસ્ટરોએ સરેરાશ રોજના રૂ. ૪પ,૩૦૦ કરોડ ગુમાવ્યા છે!

ગુરુવારે બીએસઇ સેન્સેક્સ લગભગ એક હજાર પોઇન્ટની અફડાતફડી બાદ ૮૦૭ પોઇન્ટ ઘટીને ૨૨,૯૫૨ પોઇન્ટની સપાટીએ અટક્યો હતો. જ્યારે નિફ્ટી ૨૩૯ પોઇન્ટ ઘટીને ૬૯૭૬ થયો હતો. આ તીવ્ર કડાકાની અસર શુક્રવારે પણ બજારમાં પણ જોવા મળી હતી. સેશનનો પ્રારંભ નેગેટિવ ઝોનમાં થયા બાદ દિવસ દરમિયાન નીચા મથાળે લેવાલી છતાં સતત વોલેટિલીટી જોવા મળી હતી અને દિવસના અંતે સેન્સેક્સ ૩૪ પોઇન્ટના મામૂલી વધારા સાથે ૨૨,૮૯૬ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૪ પોઇન્ટના વધારા સાથે ૬૯૮૧ પોઇન્ટ રહ્યો હતો.

આમ સેન્સેક્સ અને નિફટી હવે ૯ મે, ર૦૧૪ પછીનાં તળિયાની સાથે સાથે ર૩,૦૦૦ તથા ૭,૦૦૦ના મહત્ત્વના મનોવૈજ્ઞાનિક સપોર્ટની અંદર ઊતરી ગયા હોવાથી વિશ્વાસની કટોકટી ઘેરી બનવા સંભવ છે, જેમાં બજેટ પૂર્વે નિફ્ટી બીજા ૩થી ૫ ટકા ગુમાવે તો નવાઈ નહીં.
બીજી તરફ, એશિયા-યુરોપનાં બજારોમાં પણ નબળાઇ જોવા મળતી હતી અને છ ટકા સુધી ધોવાયાં હતાં. વિશ્વબજારમાં સોનું ટ્રોચ ઔંસદીઠ ૧,૨૪૨ ડોલરની ફેબ્રુઆરી ૨૦૧૫ પછીની ટોચે જોવાયું હતું. શેરબજારમાં એફઆઇઆઇની વેચવાલી વણથંભી છે. તેમણે રૂ. ૧,૧૦૦ કરોડથી વધુનું નેટ સેલિંગ કર્યું હતું.
રૂપિયો ૨૯ માસના નવા તળિયે
ડોલર સામે રૂપિયો ૪૪ પૈસા તૂટીને ૬૮.૨૯ના સ્તરે બંધ થયો હતો. ચાલુ કેલેન્ડર વર્ષમાં રૂપિયો ૨૧૪ પૈસા તૂટયો છે.

સેન્સેક્સના ટોપ-૧૦ કડાકા
૧૭ ડિસેમ્બર ૨૦૦૭ - ૭૬૯
૨૧ જાન્યુઆરી ૨૦૦૮ - ૧૪૦૮
૨૨ જાન્યુઆરી ૨૦૦૮ - ૮૭૫
૧૧ ફેબ્રુઆરી ૨૦૦૮ - ૮૩૪
૧૭ માર્ચ ૨૦૦૮ - ૯૫૧
૩ માર્ચ ૨૦૦૮ - ૯૦૧
૧૩ જૂન ૨૦૦૮ - ૭૭૧
૧૮ મે, ૨૦૦૮ - ૮૨૬
૨૪ ઓગસ્ટ ૨૦૧૫ - ૧૬૨૪
૧૧ ફેબ્રુઆરી ૨૦૧૬ - ૮૦૭
બજારમાં હવે શું? ટ્રેડર્સ અને રોકાણકારોએ શું કરવું

મંદીના મોજામાં નિફ્ટીએ ઘણા મહત્ત્વના ટેકા તોડ્યા છે. નિષ્ણાતોના મતે, ભારતીય બજાર ઓગસ્ટ ૨૦૧૫થી શરૂ થયેલા કરેકશનના આખરી તબક્કામાં જણાય છે. ચાર્ટ પર ૭૦૯૭-૬૮૭૫ મહત્ત્વની ટેકાની રેન્જ છે. જોકે, પેનિક સેલિંગમાં ૬,૬૫૦ની સપાટી નકારી શકાય નહીં. પ્રુડેન્ટ બ્રોકિંગ સર્વિસીસના ઇક્વિટી રિસર્ચ હેડ પ્રદીપ હોતચંદાનીના જણાવ્યા અનુસાર ડેઇલી ચાર્ટ પ્રમાણે નિફ્ટીમાં ટૂંકા ગાળાનો સપોર્ટ ૬૮૮૦ છે. તેમણે જણાવ્યું હતુ કે, ‘ઓગસ્ટ ૨૦૧૩માં નિફ્ટીએ ૫૫૧૯નું બોટમ બનાવ્યું હતું. માર્ચ ૨૦૧૫માં તે ૯૧૧૯ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો. આ ૪૦૦૦ પોઇન્ટના સુધારાનું ૬૧.૮ ટકા ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ (મેજર) ૬૬૪૭ના સ્તરે છે, જે બજાર માટે મહત્ત્વનો સપોર્ટ કહી શકાય.

ફંડામેન્ટલ અભિપ્રાય

• રોકાણકારોએ અત્યારે અને હાલના ભાવે ગભરાઈને વેચવાલી કરવાનું ટાળવું. તમે બજારમાં સંપૂર્ણ રોકડ રોકેલી હોય અને ઘટતા ભાવથી પરેશાન હોવ તો અમુક શેર વેચી રોકડ ઊભી કરો. ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O)ની સમજ હોય તો નીચા ભાવના નિફ્ટી પુટ ઓપ્શન્સ ખરીદો, જે પોર્ટફોલિયોને હેજ કરશે. રોકાણકારોએ હાલના ઘટાડાની તક ઝડપી મીડિયા સેક્ટરમાં ખરીદદારી કરવી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને રિટેલમાં એડવર્ટ ખર્ચ વધવાનો સંકેત છે. ઉપરાંત FMCG અને ઇ-કોમર્સના પ્રમોશન ખર્ચને પગલે આગામી સમયમાં પ્રિન્ટ મીડિયા અને ટેલિવિઝન સેકટરની કંપનીઓ સારી કામગીરી દર્શાવે તેવો અંદાજ છે. - દેવર્ષ વકીલ, HDFC સિક્યોરિટીસ
• વૈશ્વિક સ્થિતિને જોતાં બજારમાં વધઉ ઘટાડાની શક્યતા છે. MSCI EM (ઇમર્જિંગ માર્કેટ) ઇન્ડેક્સ ૩૭-૩૮ ટકા ઘટ્યાં છે. અગાઉ મોટી વૈશ્વિક વેચવાલીમાં MSCI EM ૫૦ ટકા ઘટ્યો છે. સેન્સેક્સ ૨૨,૦૦૦ થશે ત્યારે હું વેલ્યુએશનની ચકાસણી કરીશ. - સૌરભ મુખરજી, CEO ઇન્સ્ટિ. ઇક્વિટી, એમ્બિટ કેપિટલ
• રોકાણકારો માટે ગભરાટનું કોઈ કારણ નથી. ભારતીય અર્થતંત્ર સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. રાજકોષીય ખાધ અને ફુગાવો ઘટાડા તરફી છે. આગામી વર્ષ માટે હું અર્થતંત્ર અંગે બહુ આશાવાદી છું. - પ્રશાંત જૈન, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, HDFC AMC
• ઘટાડો ક્યારે અટકશે તેની આગાહી મુશ્કેલ છે. જોકે, વેચવાલી વૈશ્વિક પરિબળોને આભારી હોવાથી સ્થાનિક બજારમાં દરેક ઘટાડે રોકાણ કરનારને મધ્યમથી લાંબા ગાળે ઉત્તમ વળતર મળશે. એક સાથે મોટું રોકાણ ટાળવું. - પંકજ મોરારકા, ફંડ મેનેજર, એક્સિસ AMC
• ૨૦૧૬ રોકાણકારો માટે ઉત્તમ અને ટ્રેડર્સ માટે આંચકાજનક વર્ષ રહેશે. રોકાણકારોને આખું વર્ષ SIP દ્વારા ઇક્વિટીમાં રોકાણની નીતિ અપનાવવી જોઈએ. વૈશ્વિક ઘટાડો ચાલુ રહેશે તો એ ખરીદીની બહુ મોટી તક આપશે. - એસ. નરેન, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, ICICI પ્રુડેન્શિયલ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter