બેંગ્લુરૂઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીપ્રચારના અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગારપેટમાં રેલીને સંબોધન કરતાં કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધી પર તીક્ષ્ણ કટાક્ષ કર્યાં હતાં. મોદીએ પાણીની ટેન્કર અને ખાલી ડોલનું ઉદાહરણ આપીને રાહુલને ડોલવાળા દબંગ ગણાવી દીધા હતા. મોદીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાનપદ માટેની રાહુલ ગાંધીની દાવેદારી અહંકાર છે, જે ગામમાં પાણીની અછત હોય છે અને ગામને માહિતી મળે કે આજે ૩ વાગે પાણીની ટેન્કર આવવાની છે તો ગામનાં લોકો સવારથી લાઇનમાં ડોલો મૂકી દેતાં હોય છે. બધાને ૩ વાગ્યાનો ઇંતેજાર હોય છે પરંતુ ઇમાનદાર હોવાને કારણે તેઓ ડોલ મૂકીને પોતાનાં ઘેર જતા રહે છે. એવામાં ગામનો દબંગ આવે છે અને બાકીની ડોલોને હટાવી સૌથી પહેલી પોતાની ડોલ મૂકી દે છે, કાલે પણ એવું જ થયું, એક વ્યક્તિ આવ્યો અને જાહેરાત કરી દીધી કે વડા પ્રધાન તો હું જ બનીશ. લાઇનમાં ઊભા રહેલાનું જે થવું હોય તે થાય. ગઠબંધનનું જે થવું હોય તે થાય. સિનિયર નેતાઓ ભલેને બાજુમાં રહી જાય. મેં મારી ડોલ મૂકી દીધી છે અને હું વડા પ્રધાન બની જઈશ. આમ પોતાની જાતને પીએમ જાહેર કરી દેવા દર્શાવે છે કે તેમનો અહંકાર સાતમા આસમાને છે.