નવી દિલ્હીઃ ભારતમાં સોફ્ટડ્રિંક્સનું ઉત્પાદન કરતી બે મોટી મલ્ટિનેશનલ કંપનીના પાંચ પીણામાં સીસુ અને કેડિયમ તથા ક્રોમિયમ જેવી ભારે ધાતુઓ મળી આવી હોવાની માહિતી ૨૩મી નવેમ્બરે સરકારે રાજ્યસભામાં આપી હતી. એક લેખિત જવાબમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્ય પ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તેએ જણાવ્યું હતું કે સ્પ્રાઇટ, માઉન્ટેન ડયૂ, સેવનઅપ, પેપ્સી અને કોકાકોલા એમ પાંચ પીણાના સેમ્પલ લઇ કોલકાતા સ્થિત નેશનલ ટેસ્ટ હાઉસમાં પરીક્ષણ માટે મોકલાયાં હતાં. ભારતમાં બે મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા ઉત્પાદિત સોફ્ટડ્રિંકસમાં પાંચ ઝેરી પદાર્થો મળી આવ્યાના ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડના અભ્યાસ પર સરકારે કેવા પગલાં લીધાં છે તેવા સવાલના જવાબમાં કુલસ્તેએ જણાવ્યું હતું કે, સેમ્પલમાં સીસુ, કેડિયમ અને ક્રોમિયમ જેવી અન્ય ભારે ધાતુઓ મળી આવી હતી. સોફ્ટ ડ્રિંક્સને પેક કરવા માટે વપરાતી બોટલમાં લિચિંગના કારણે આ ધાતુઓ તેમાં ભળે છે.


